Mysamachar.in-રાજકોટ:
સમગ્ર ગુજરાતમાં ગુનાખોરી ડામી દેવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિઓને મજબૂત બનાવવા પોલીસ કટિબદ્ધ છે, એ દર્શાવવા રાજ્યના પોલીસવડા રાજ્યના વિવિધ મહાનગરોમાં થોડા થોડા સમયનાં અંતરે રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ આયોજિત કરી રહ્યા છે. આજે આવી એક કોન્ફરન્સ રાજકોટમાં આયોજિત કરવામાં આવી છે અને ત્યારબાદ DGP દ્વારા બપોરે પત્રકાર પરિષદ સંબોધવામાં આવશે.
રાજકોટમાં આજે DGP વિકાસ સહાયના વડપણ હેઠળ 9 IG, 4 પોલીસ કમિશનર અને CID વિભાગ સહિતના પોલીસ અધિકારીઓ આ ક્રાઈમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. જેમાં વ્યાજખોરી, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને સાયબર છેતરપિંડીઓ સહિતની ગુનાખોરી ડામવા અંગે તથા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ મજબૂત કરવા અંગે DGP સૌને માર્ગદર્શન આપશે. શકયતાઓ એવી છે કે, આ કોન્ફરન્સ બાદ DGP બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ એક પત્રકાર પરિષદ સંબોધશે જેમાં કોન્ફરન્સમાં થયેલી ચર્ચાઓ અને લેવાયેલા નિર્ણયો અંગે પત્રકારોને અવગત કરવામાં આવશે.
રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં આ ક્રાઈમ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ અમદાવાદ અને સુરત ખાતે આ પ્રકારની કોન્ફરન્સ DGP યોજી ચૂક્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, પોલીસ વિભાગ પાસે રાજ્યના નાગરિકોને ગુનાખોરી ડામવા સંબંધે જે અપેક્ષાઓ છે તે અપેક્ષાઓ પરિપૂર્ણ થવા આડે હજુ ઘણાં અંતરાયો પાર કરવાના બાકી છે અને પોલીસ તથા નાગરિકો વચ્ચે જે પ્રકારની આત્મીયતા અને ભરોસો હોવા જોઈએ ત્યાં સુધી પહોંચવામાં પણ હજુ પોલીસવિભાગે ઘણું અંતર કાપવાનું બાકી છે.