Mysamachar.in-રાજકોટ:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લાખો વેપારીઓ અને ઉદ્યોગકારોને ‘ સાન્ટા ક્લોઝ દ્વારા જાણે કે, ક્રિસમસ ગિફટ’ મળી હોય, એવો માહોલ સાત વર્ષની લાંબી તપસ્યા બાદ ઉભો થયો છે. છેલ્લા સાત-સાત વર્ષથી GST અમલમાં છે. પરંતુ રાજ્ય અને કેન્દ્રના GST તંત્ર દ્વારા ગુજરાતમાં જરૂરી સેન્ટરોમાં GST વિવાદોના નિવારણ માટે ટ્રિબ્યુનલની વ્યવસ્થાઓ કરવામાં આવી ન હતી, જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના લાખો વેપારીઓ અને ઉદ્યોગકારોએ અમદાવાદ હાઈકોર્ટના ધક્કા ખાવા પડતાં હતાં, જેને કારણે વકીલાત ખર્ચ પણ મોટો રહેતો હતો. હવે રાહત મળી.
રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર GST તંત્રએ ટ્રિબ્યુનલ બિલ્ડીંગ તરીકે એક ઈમારત ભાડે રાખી લીધી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ GST વિવાદોનું નિવારણ લાવવામાં આવશે. આ ઈમારતમાં ટ્રિબ્યુનલનો જ્યુડિશિયલ અને ટેક્નિકલ મેમ્બર સહિતનો સ્ટાફ બેસશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છની અનેક વેપારી ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા આ ટ્રિબ્યુનલ માટે અસંખ્ય વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, સાત વર્ષના લાંબા સમય બાદ સરકાર મહેરબાન થઈ.
આગામી દિવસોમાં રાજકોટમાં કાર્યરત થનાર આ ટ્રિબ્યુનલ માટે એક જ્યુડિશિયલ અને એક ટેક્નિકલ મેમ્બર ઉપરાંત 3 જોઈન્ટ કમિશ્નર, ડેપ્યુટી કમિશનર, સુપ્રિટેન્ડેન્ટ અને ઈન્સ્પેક્ટર સહિતની પોસ્ટ માટે સ્ટાફ મંજૂર કરવામાં આવ્યો છે. રાજકોટમાં આ કચેરી અયોધ્યા ચોક ખાતે કાર્યરત થશે. વકીલાત ખર્ચ ઘટશે, હાલાકીઓનો અંત આવશે અને કેસોનું ઝડપી નિરાકરણ આવશે. અત્યાર સુધી ટ્રિબ્યુનલ અને વડી અદાલતના કેસો માટે વેપારીઓ અને ઉદ્યોગકારોએ છેક અમદાવાદ જવું પડતું.