Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ભાણવડ તાલુકાના શીવા ગામ નજીકથી રાત્રિના સમયે પસાર થતી એક મોટરકારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં અન્ય બે શખ્સોના નામ પણ ખુલવા પામ્યા છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એસ.એસ. ચૌહાણની ટીમ દ્વારા બુધવારે રાત્રિના સમયે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ સાંજવા તથા મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સતાપર ગામ તરફથી રાત્રિના આશરે એકાદ વાગ્યાના સમયે આવી રહેલી આવી ટાટા કંપનીની ઝેસ્ટ મોટરકારને અટકાવીને ચેકિંગ કરવામાં આવતા આ કારમાંથી વિદેશી દારૂની 180 બોટલ મળી આવી હતી.
આથી પોલીસે રૂપિયા 1,13,076 ની કિંમતના પરપ્રાંતીય શરાબ તેમજ રૂપિયા બે લાખની કિંમતની મોટરકાર અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3,18,076 ના મુદ્દામાલ સાથે ભાણવડ તાલુકાના આંબરડી ગામના રહીશ અમિત નારણભાઈ ચાવડાની અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનો રવિ ઉર્ફે સુનિલ અરશીભાઈ વરુ અને વનરાજ નામના બે શખ્સો પણ સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્યું છે. આથી પોલીસે આરોપી અમિત નારણભાઈની અટકાયત કરી, અન્ય બે શખ્સોને ફરાર જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા, ખીમાભાઈ કરમુર, ગોવિંદભાઈ કરમુર અને મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.