Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાને એક કુટેવ છે, શહેરમાં ગંદકી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કાયમ સંવેદનશીલ અને ગંભીર મુદ્દા રહે છે છતાં, સંબંધિતો સ્વચ્છતાના ગાણાં ગાતાં રહે છે. અને, આ કામગીરીઓ પાછળ વર્ષે કરોડોનો ખર્ચ છતાં વિવાદો અને ફરિયાદો ઘટવાનું નામ લેતાં નથી. નગરજનોને એ પણ શંકાઓ છે કે, હાયર ઓથોરિટીઝ દ્વારા આ બાબતે કેમ કયારેય ગંભીર અને તટસ્થ તપાસ થતી નથી ?!
પાછલાં 3 જ મહિના દરમિયાન શહેરમાં ભૂગર્ભ ગટર સંબંધે મહાનગરપાલિકાને 27,031 ફરિયાદ થઈ. સોલિડ વેસ્ટ મામલે 6,154 ફરિયાદ મળી. લાઈટ બાબતે 13,812 ફરિયાદ મળી. મૃત પશુઓ સંબંધે 3,747 ફરિયાદ મળી- આ આંકડા દર્શાવે છે કે, નગરજનો કેટલાં પરેશાન છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરનો ક્રમ 81મો છે. આગળનો ક્રમ લાવવા મહાનગરપાલિકા વર્ષે રૂ. 25 કરોડ ખર્ચ કરે છે. મહાનગરપાલિકા 8 સ્વીપર મશીનોનો ખર્ચ વહન કરે છે, સફાઈ કામદારોનું મોટું લશ્કર ધરાવે છે છતાં શહેર જાણે કે ઉકરડાનગર ! અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગરમાં ભૂતકાળમાં રાત્રિ સફાઈ નાટક પણ થયા છે અને દિવસ સફાઈ નાટક તથા પ્રચાર 365 દિવસ ચાલતાં રહે છે.(FILE IMAGE)
