Mysamachar.in: જામનગર
મોબાઈલ અને ટેકનોલોજિના આ યુગમાં ઈ-ફ્રોડ એટલે કે ઓનલાઈન છેતરપિંડીઓની સંખ્યા વ્યાપક રીતે, સર્વત્ર વધતી રહી છે. સાયબર ક્રાઈમ આજના જમાનામાં સૌથી મોટો વિષય બની ગયો છે. સાયબર ક્રાઈમ અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, સમાચારોમાં પણ સાયબર છેતરપિંડીઓ અંગે હજારો પ્રકારની માહિતીઓ અને વિગતો આવી રહી છે, આમ છતાં ‘અમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છીએ’ એવી ફરિયાદો આશ્ચર્યજનક પ્રમાણમાં સાયબર ક્રાઈમ બ્રાંચમાં ઠલવાઈ રહી છે !
જામનગરમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રમાં આ વર્ષ દરમિયાન શું શું બન્યું ? તેના આંકડા આ રહ્યા. સમગ્ર વર્ષ દરમિયાન 3,588 લોકોએ સાયબર ક્રાઈમ બ્રાંચને ઓનલાઈન જાણ કરી કે, અમારી સાથે ચીટિંગ થયું છે. આ ફરિયાદો પૈકી 1,100 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે- તેમ સાયબર ક્રાઈમ બ્રાંચે જાહેર કર્યું છે. બાકીની 70 ટકા ફરિયાદો અંગે તપાસ વગેરે કાર્યવાહીઓ થઈ રહી છે.
જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં વર્ષ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જો કે માત્ર 11 જ ગુના દાખલ થયા છે. અને, આ 11 FIR ની તપાસ દરમિયાન કુલ 36 આરોપીઓની ધરપકડ થઈ છે. સાયબર ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન ફરિયાદો પૈકી 1,100 ફરિયાદના કિસ્સાઓમાં ફરિયાદીઓને રૂ. 2.54 કરોડ પરત અપાવ્યા છે તેમ જાહેર થયું છે.
જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ દરમિયાન જે 36 આરોપીઓને શહેર અને જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા છે, તે પૈકી અમુકના રિમાન્ડ દરમ્યાન અને અન્યની રૂટિન પૂછપરછમાં, આ આરોપીઓ સાથે સંકળાયેલા મનાતા અમુક શખ્સોની શોધખોળ ચાલુ છે. ધરપકડનો આંક વધશે. સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા લોકજાગૃતિ માટે અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવે છે, આ ઉપરાંત શહેરમાં ઠેરઠેર હોર્ડિંગ પણ મૂકવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ બ્રાંચ કહે છે: અમુક ફરિયાદી ઓનલાઈન ફરિયાદ નોંધાવતી વખતે બે વખત ફરિયાદ દાખલ કરાવતા હોય છે. કારણ કે ઓનલાઈન ફરિયાદ જનરેટ થતાં 2 દિવસનો સમય લાગી જતો હોય છે, આ દરમિયાન ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપડી જાય છે તેવા કિસ્સાઓમાં લોકો 2-3 વખત ફરિયાદ દાખલ કરાવતા હોય છે. ઘણાં કિસ્સાઓમાં છેતરપિંડીઓ થઈ ન હોય, તે સંબંધે માત્ર હેરાનગતિ થતી હોય તેવા મામલામાં પણ ઘણાં લોકો ઓનલાઈન ફરિયાદ નોંધાવતા હોય છે.