Mysamachar.in-
આગામી જૂનથી શરૂ થનાર શૈક્ષણિક વર્ષ 2025-26 સંબંધે વાલીઓ માટે ચિંતાઓ ઉપજાવનાર સમાચાર એ છે કે, અમુક શાળાઓ પોતાની ફી વધારવા માટેની તૈયારીઓ કરી ચૂકી છે. મોંઘવારીના આ સમયમાં વાલીઓના ખિસ્સામાંથી વધુ નાણાં શાળાઓના સંચાલકોની તિજોરીઓમાં જશે. કેમ કે, આ શાળાઓ ફી વધારવા માટે સૌરાષ્ટ્ર ઝોનની FRC સમક્ષ દરખાસ્ત કરી ચૂકી છે અને FRC નું આ બાબતે સામાન્ય વલણ લીલીઝંડીનું હોય છે.
આજે બપોરે Mysamachar.in દ્વારા ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પૂછવામાં આવેલું કે, જામનગર શહેર અને જિલ્લામાં કઈ કઈ શાળાઓ આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારવા ઈચ્છે છે, FRC સમક્ષ કેટલી શાળાઓએ આ ફી વધારા સંબંધે દરખાસ્ત મોકલી છે અને કેટલી શાળાઓએ ફી સંબંધે FRC ને સોગંદનામાઓ આપ્યા છે.

આ પ્રશ્નના ઉત્તરમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે, જામનગર શહેરની પટેલ ઈન્ટરનેશનલ, ન્યૂ એડવેન્ટ એકેડમી, એન.જી.શાહ ગુજરાતી મીડિયમ, સંસ્કાર ઈન્ટરનેશનલ સ્કૂલ ઉપરાંત જામજોધપુરની કે.વી.માકડિયા સ્કૂલ અને ધ્રોલની ગણેશ સ્કૂલ તથા ઉમાગણેશ સ્કૂલ દ્વારા FRC સમક્ષ ફી વધારાની માંગ સાથે દરખાસ્ત મોકલવામાં આવી છે. આ ઉપરાંત શહેર અને જિલ્લાની અન્ય 180 ખાનગી શાળાઓએ FRC સમક્ષ સોગંદનામાઓ રજૂ કર્યા છે. હાલ સમગ્ર બાબત અન્ડર પ્રોસેસ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, FRC આ 7 શાળાઓને ફી માં વધારો કરવા લીલીઝંડી આપશે પછી, આ શાળાઓ ફી વધારો જાહેર કરી શકશે. અને એમ થશે તો આ 7 શાળાઓના હજારો વિદ્યાર્થીઓના વાલીઓનું શિક્ષણખર્ચનું બજેટ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન મોટું થઈ જશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ઘણી ખાનગી શાળાઓ પોતાના સંચાલન ખર્ચના મોટા આંકડા FRC સમક્ષ રજૂ કરી, ફી વધારા માટેની પોતાની દરખાસ્ત મંજૂર કરાવવામાં સફળ રહેતી હોય છે. છે. શાળા સંચાલન ખર્ચના મોટાં આંકડા કાગળ પર ‘સેટ કરવા’ બાબતે કેટલાંક શાળા સંચાલકો સારી પેઠે ‘શિક્ષિત’ હોય છે અને આ બાબતમાં ગમે તેને ઉઠાં ભણાવી શકતા હોય છે.