Mysamachar.in-જામનગર:
જામનગર સહિતના હાલારમાં વ્યાપક GST ચોરીની ચર્ચાઓ અને આશંકાઓની સાથેસાથે સ્થાનિક તંત્રની ચોક્કસ પ્રકારની ઉદાસીનતા લાંબા સમયથી જાણીતો વિષય રહ્યો છે. આ દરમિયાન સીધી જ દિલ્હીથી ‘તપાસ’ શરૂ થઈ અને આખરે જામનગર બ્રાસ સ્ક્રેપના એક કદાવર ઉદ્યોગપતિની ધરપકડ થઈ જતાં, જામનગરના બ્રાસ ઉદ્યોગમાં હાલના ભરપૂર શિયાળામાં ઘણાંની ટાઢ ઉડી ગઈ હોવાનું વર્તુળો જણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગોંડલ ભાજપાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની આશાપુરા અને રાજ્યના કેટલાંક બેઝ ઓઈલ તેમજ સ્ક્રેપના મોટા વેપારીઓ દ્વારા કરોડો રૂપિયાના GST ચોરી કૌભાંડ ચાલી રહ્યા છે- એવી ચર્ચાઓ થોડાં સમય અગાઉ બહાર આવ્યા બાદ, સીધી જ દિલ્હીથી ગુજરાતમાં તપાસ શરૂ થઈ અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ તથા જામનગર સહિતના શહેરોમાં દરોડા પડ્યા.
ત્યારબાદ, અમદાવાદથી DGGI ના સૂત્રોએ જાહેર કર્યું કે- પ્રાથમિક તપાસમાં રૂ. 15 કરોડની GST ચોરી ઝડપાઈ ગઈ છે. પણ જામનગરના મંડાવરા દ્વારા થયેલી કરચોરીનો આ આંક રૂ. 150 કરોડ સુધી પહોંચી શકે છે. મંડાવરા નામના આ ઉદ્યોગપતિનું નામ સુનિલ મંડાવરા છે, જે પાર્થ ઈમ્પેક્સના માલિક છે, એમની વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ રહી છે અને ધરપકડ થઈ ચૂકી છે.
અધિકારીઓએ સુનિલ મંડાવરાના 2 દિવસના રિમાન્ડ પણ મેળવી લીધાં, ત્યારબાદ આ તમામ વિગતો બહાર આવી. મંડાવરાની કંપનીની આ કરચોરીના છેડા અમદાવાદની કંપની આંશિક એન્ટરપ્રાઈઝ સુધી પહોંચતા હોય, આંશિકના માલિકની પણ ધરપકડ થશે. DGGI એ આ બધાં દરોડા દરમિયાન બેઝ ઓઈલ અને સ્ક્રેપના વેપારીઓને ત્યાંથી કરચોરીની ઘણી અને સંવેદનશીલ વિગતો એકત્ર કરી હતી.
સૂત્ર કહે છે: સુનિલ મંડાવરાએ ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા દાવાઓ કરેલા હોવાનું બહાર આવી ગયું છે. છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં દરોડાની આ કાર્યવાહીઓ સીધી જ દિલ્હીના અધિકારીની આગેવાનીમાં ચાલી રહી છે, જે દર્શાવે છે કે કાંડ મોટું છે.