Mysamachar.in-અમદાવાદ:
સરકાર કરોડો પરિવારોને દર મહિને અનાજ સહિતની ચીજો આપે છે, જે પૈકી કરોડો પરિવારો પાસે આ ચીજો પહોંચતી નથી કારણ કે, કાળાબજાર કરતાં તત્વોનું નેટવર્ક ખૂબ જ સારી રીતે ‘કામ ઉતારી’ રહ્યું છે. દેશભરમાં આ નેટવર્ક ફેલાયેલું છે, ગુજરાતના કાળાબજારીયાઓનું નેટવર્ક એટલું વ્યવસ્થિત છે કે, સરકારી અનાજના કાળાબજારમાં ગુજરાતનો દેશમાં ત્રીજો નંબર આવ્યો !! આમ છતાં બધાં જિલ્લાઓમાં સ્થાનિક પૂરવઠાતંત્રો એમ કહેતાં રહે છે કે, સબ સલામતની સ્થિતિઓ છે.
એક સર્વેમાં ખુલાસો થયો કે, અરૂણાચલમાં 63.18 ટકા અને નાગાલેન્ડમાં 60.36 ટકા સરકારી અનાજ જરૂરતમંદ પરિવારો સુધી પહોંચતું નથી. આ ક્રમમાં ગુજરાત 43 ટકા સાથે ત્રીજા ક્રમે એટલે કે મોટાં રાજ્યમાં પ્રથમ ક્રમે છે. બીજી તરફ એવા સમાચાર પણ આવતાં હોય છે કે, જાહેર વિતરણ વ્યવસ્થામાં ગુજરાતને એવોર્ડ મળી રહ્યો છે.
જાહેર વિતરણ વ્યવસ્થાઓમાં બેફામ ભ્રષ્ટાચારને કારણે કરોડો ગરીબ પરિવારોને એમના હક્કનું અનાજ મળતું નથી. અને આ અનાજ વેચીને કાળાબજાર કરતાં તત્વો ધૂમ કમાણી કરી રહ્યા છે. બીજી તરફ સરકાર અનાજનો આ જથ્થો ખુલ્લા બજારમાંથી તોતિંગ પ્રમાણમાં ખરીદી રહી હોય, બજારમાં અનાજના ભાવોમાં મોંઘવારી જોવા મળી રહી છે.
સરકારે આ દૂષણ અટકાવવા જાહેર વિતરણ વ્યવસ્થાઓમાં મોટાભાગની કામગીરીઓ ઓનલાઈન કરી નાંખી છતાં તેમાં ખામીઓ હોવાથી કાળાબજાર કરતાં તત્વો આ સરકારી અનાજ ગરીબોના મોંમાંથી છીનવી લેવામાં સફળ થઈ રહ્યા છે. ઈકોનોમિક થિંક ટેન્ક કહે છે: જાહેર વિતરણ વ્યવસ્થાઓ હેઠળના કુલ જથ્થામાંથી 2 કરોડ ટન ઘઉં-ચોખા ક્યાં ગાયબ થઈ જાય છે, તેની સરકારને પણ ખબર પડતી નથી, આ ગાયબ જથ્થાની કિંમત રૂ. 69,000 કરોડ થાય છે.