Mysamachar.in: ગુજરાત
ગુજરાતના દરિયાકાંઠે કરોડો અને અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, તેની સામે અબજો રૂપિયાના અન્ય ડ્રગ્સની હેરાફેરી પણ ‘સલામત’ રીતે થતી જ હશે- અબજો રૂપિયાનો આ ધંધો તો જ પોસાય. બધું જ ડ્રગ્સ જો ઝડપાઈ જતું હોય તો અબજો રૂપિયાની આ નુકસાની ડ્રગ્સ માફિયાઓ શા માટે ભોગવે ?! એ સમજી શકાય એમ છે.
અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોના ડ્રગ્સ સપ્લાયરો આરામથી છેક, ગુજરાતના અંતરિયાળ બંદરો સુધી ‘સલામત’ રીતે ઘૂસી આવે છે, પછી શરાબની માફક અવારનવાર છેક છેલ્લી ઘડીએ ડ્રગ્સ ઝડપાઈ જાય. આ પ્રકારના ભારતવિરોધી તત્વોને ગુજરાતના બંદરો પર સ્થાનિક કનેક્શનો પણ હશે જ ને. અબજો રૂપિયાના ડ્રગ્સની રાતદિવસ હેરાફેરી કરતી આખેઆખી ચેનલ કે સિન્ડકેટ ઝડપાઈ ગઈ હોય એમ કયારેય જાહેર થતું નથી. પાંચ પચ્ચીસેક વિદેશી માછીમારો કે ડ્રગ્સ કેરિયર ઝડપાઈ ગયા, એવું જાહેર થયા બાદ આ સમાચારો કે જાહેરાતો સૌ ભૂલી જાય છે, ફરી અન્ય વિદેશીઓ ઝડપાઈ જાય ત્યાં સુધી.
એક અંદાજ મુજબ, છેલ્લા માત્ર પાંચ જ વર્ષ દરમિયાન, ગુજરાતના દરિયાકિનારેથી રૂ. 70,000 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ગયું ! આ ભારતવિરોધી તત્ત્વોએ આ જ રૂટ પરથી, પાંચ વર્ષ દરમિયાન કેટલાં અબજ રૂપિયાનો બિઝનેસ કરી લીધો હશે ?! રૂ. 700 અબજની ‘ખોટ’ પોસાય કોને ?!
આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના દરિયાકિનારેથી 100 વિદેશી નાગરિકો ઝડપાઈ ગયા. આ બધાં રૂટ પર કેટલાં વિદેશી નાગરિકો અવરજવર ઉર્ફે ખેપ કરતાં હશે ?! આ બિગ બજેટ બિઝનેસમાં દલાલો અને ખરીદદારો પણ હશે જ, તેઓ કોણ છે ?! આ પ્રકારના સંવેદનશીલ પ્રશ્નોના ઉત્તર કયારેય જાહેર થતાં નથી. મામલો ગંભીર અને રહસ્યમય લેખાવી શકાય. નાર્કોટિક્સ બ્યૂરો સાથે સંકળાયેલા સૂત્ર કહે છે: અગાઉ ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ સ્પોટ હતું અને આજે ફેવરિટ લેન્ડિંગ પોઈન્ટ છે !! ગુજરાતમાંથી આ ડ્રગ્સ દેશભરમાં સપ્લાય થઈ રહ્યું છે, જે દેશના યુવાધનને બરબાદીના માર્ગે ઢસડી જઈ રહ્યું છે- આ ચિંતાઓ નથી?!