Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની ભાજપ શાસિત નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આર્થિક ખેંચ તેમજ પગારના અને લાઈટ બિલના સાંસા બની રહ્યા છે. ત્યારે દિવાળી બાદથી અનેક કર્મચારીઓના પગાર પણ ન થતા આ બાબતે કર્મચારીઓમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે,
ખંભાળિયા નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ સાથે વહીવટ પણ જાણે ખાડે ગયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકાને લાઈટ બિલ તેમજ પીવાના પાણીના ઘણા સમયથી બાકી રહેલા કરોડો રૂપિયાના બિલ ચૂકવી શકાયા નથી. ત્યારે આ પરિસ્થિતિમાં હવે પગાર ચૂકવવાના પણ પૂરતા પૈસા ન હોવાથી પાલિકાના કર્મચારીઓ, રોજમદારો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

તાજેતરમાં ઓક્ટોબર માસમાં દિવાળી હતી. તેથી ઓક્ટોબર માસનો પગાર નવેમ્બર માસમાં મળે તે ઓક્ટોબર માસમાં જ અપાઈ ગયો હતો. પરંતુ તે પછી નવેમ્બરનો પગાર હાલ ડિસેમ્બર માસના દિવસો થઈ ગયા હોવા છતાં ચૂકવવામાં આવ્યો ન હોવાથી હાલ આશરે દોઢેક માસથી કર્મચારીઓને પગાર ન મળતા રોજમદાર તેમજ ચોથા વર્ગના કર્મચારીઓને ઉધાર ઉછીના પૈસા મેળવીને ગાડું ગબડાવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
નગરપાલિકાની વેરા વસૂલાત પણ હાલ ખૂબ જ ઓછી હોય તેમજ સ્વભંડોળમાંથી કરાતા આડેધડ ખર્ચ વચ્ચે કોઈ નવી આવકમાં સંપૂર્ણપણે મીંડાની પરિસ્થિતિ છે, ત્યારે બે દાયકા જુના કરવેરાના માળખાની પરિસ્થિતિમાં હવે નગરપાલિકાના કર્મચારીઓને પગાર આપવાના પણ સાંસા થયાની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે અહીંના રાજકીય આગેવાનો – નેતાઓની કુનેહ અને ઈચ્છા શક્તિ સામે નગરજનોમાં પ્રશ્નાર્થની પરિસ્થિતિ જોવા મળી રહી છે.(તસ્વીર અને અહેવાલ કુંજન રાડીયા)
