Mysamachar.in-જામનગર:
જામનગરના દરેડ-મસીતીયા અને કનસુમરા વિસ્તારોમાં સેંકડો રહેણાંક વિસ્તારો એવા છે જ્યાં કારખાના ધમધમી રહ્યા છે, આ પ્રકારના ઔદ્યોગિક એકમો આ રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ સહિતની સમસ્યાઓને જન્મ આપતાં હોય છે, આમ છતાં આવા કારખાના ધમધમતા રહે છે. હાલમાં આવા ચાર કારખાના GPCBની હડફેટ આવી ગયા હોવાનું જાણમાં આવ્યું છે.
દરેડ ઉદ્યોગનગરથી થોડે આગળ કનસુમરા ગામ નજીક મોટો ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર ઉદ્યોગનગર-3 તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં શિવમનગર સહિતના સંખ્યાબંધ રહેણાંક વિસ્તારો પણ છે. આ રહેણાંક વિસ્તારોમાં રાતદિવસ કારખાના ધમધમતા રહે છે. આ કારખાનાઓને કારણે આ રહેણાંક વિસ્તારોમાં કાન ફાડી નાંખે તેવા અવાજો ઉપરાંત જમીન, પાણી અને વાયુના પ્રદૂષણ સહિતની સમસ્યાઓ ઉભી થતી હોય છે, જેને કારણે આ રહેણાંક વિસ્તારોના હજારો રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.
તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ કનસુમરા ગામ નજીક શિવમનગર વિસ્તારમાં કેટલાંક ઔદ્યોગિક એકમોની તપાસ કરી, આ એકમો પૈકી ઈલેક્ટ્રોપ્લેટિંગના 3 એકમો અને 1 બ્રાસભઠ્ઠી ધરાવતા એકમને ક્લોઝર નોટિસ ફટકારી છે. આ અંગેનો રિપોર્ટ ગાંધીનગર કચેરીએ પણ મોકલવામાં આવ્યો છે. ગાંધીનગર કક્ષાએથી સૂચનાઓ આવ્યા બાદ, જામનગર કચેરી આ ચારેય એકમોને તાળાં લગાવવાની કાર્યવાહીઓ હાથ ધરશે, એમ હાલ જણાઈ રહ્યું છે.

-આવા એકમો હેવી વીજજોડાણ કેવી રીતે મેળવી લ્યે છે ?!
સામાન્ય રીતે રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ અથવા ઈન્ડસ્ટ્રીયલ વીજજોડાણ મેળવવા આસાન નથી હોતાં. પરંતુ સૌ જાણે છે તેમ, સરકારી કામોમાં ઘણીયે છટકબારીઓ હોય જ છે. કનસુમરા ગામ નજીક શિવમનગર રહેણાંક વિસ્તારમાં આ ઔદ્યોગિક એકમોને વીજજોડાણો કેવી રીતે આપવામાં આવ્યા, એ અંગે તપાસ કરતાં કેટલીક વિગતો બહાર આવી છે.
આ વીજ સબડિવિઝનના અધિકારી વરૂએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, સ્થાનિક સત્તાવાળાઓ એટલે કે સંબંધિત ગ્રામ પંચાયત અથવા મહાનગરપાલિકા રહેણાંક વિસ્તારમાં કોઈ ઔદ્યોગિક એકમ શરૂ કરવા અંગે જે મંજૂરીઓ આપતી હોય છે, તેવા ઔદ્યોગિક એકમોને, આ મંજૂરીઓના આધારે ઔદ્યોગિક વીજજોડાણ આપવામાં આવે છે. શિવમનગર નામના આ રહેણાંક વિસ્તારમાં આશરે 200-250 જેટલાં ઔદ્યોગિક એકમોને વીજજોડાણ આપવામાં આવેલાં છે, એમ પણ તેઓએ વધુમાં જણાવ્યું.