Mysamachar.in: જામનગર
જામનગરના બેઝ ઓઈલના વેપારીઓ પર દરોડા: કૌભાંડનો આંકડો મોટો થઈ શકે છે: સ્થાનિક અધિકારીઓ આંખ આડા કાન કરતાં હતાં ?!…. સહિતના હાલારમાં GST સહિતની કરચોરીઓ અંગે અવારનવાર ખાનગીમાં ચર્ચાઓ ઉઠતી હોય છે પરંતુ સ્થાનિક અધિકારીઓ આ પ્રકારના કૌભાંડ અંગે કાયમ મોં સીવી રાખતા હોય છે, આખરે દિલ્હીથી સીધાં જ દરોડા પડતાં કરોડોના કુંડાળાઓની આંશિક વિગતો અમદાવાદથી વહેતી થઈ છે. આ વિગતો જણાવે છે કે, જામનગરમાં બ્રાસ સ્ક્રેપ અને ઈન્ડસ્ટ્રીયલ બેઝ ઓઈલના વ્યવસાયમાં કરોડોની હેરાફેરી થતી રહે છે.
DGGI એ સીધાં જ દિલ્હીથી આવી ગુજરાતમાં દરોડાની કામગીરીઓ અને કાર્યવાહીઓ શરૂ કરી. આ દરોડા અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં ચાર દિવસથી સતત ચાલી રહ્યા છે. જો કે, દિલ્હી અને અમદાવાદના અધિકારીઓ હાલમાં વધુ વિગતો જાહેર કરી રહ્યા નથી. દરોડા સાથે સંકળાયેલા સૂત્ર અનુસાર, જામનગર-રાજકોટ અને અમદાવાદમાં થઈ રહેલી દરોડાની કામગીરીઓ દરમિયાન રૂ. 200 કરોડની કરચોરી બહાર આવી છે. જામનગર સહિત 25 જગ્યાઓ પર દરોડાની કામગીરીઓ ચાલુ છે. કરચોરી અને કૌભાંડનો મોટો આંકડો બહાર આવવાની શકયતાઓ છે.

જામનગરમાં ઈન્ડસ્ટ્રીયલ બેઝ ઓઈલના વેપારીઓને ત્યાં દરોડા ચાલુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગોંડલ ભાજપાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પણ હડફેટમાં ચડી ગઈ છે. તેની સાથે સંકળાયેલું કૌભાંડ તો 500 કરોડ કરતાં વધુ રકમનું હોવાની પણ ચર્ચાઓ છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સીધાં જ દિલ્હીથી દરોડા શરૂ થઈ ગયા હોય, ઘણાં વગદારો પણ માથું ખંજવાળી રહ્યા છે. કથિત પ્રોટેક્શન આપનારા ટૂંકા પડી રહ્યાની પણ ચર્ચાઓ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સહિતના શહેરોમાં GST બાબતે શું શું ચાલી રહ્યું છે- એ અંગે એક પણ કચેરી પાછલાં સાત વર્ષથી કશું બોલતી ન હોય, આ તમામ કચેરીઓ પણ ખરડાયેલી હોવાનું સમજાઈ રહ્યું છે.