Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતીઓ અમીર છે, ખુશ છે, વિકસિત છે- એવી ઘણીયે વાતો વચ્ચે એક કડવી હકીકત એ પણ છે કે, ગુજરાતીઓના ‘દિલ’ પર તોતિંગ જોખમ છે, વધુ ને વધુ ગુજરાતીઓ દવાઓ ખાઈ જિવવા મજબૂર છે, હ્રદયરોગની અબજો રૂપિયાની દવાઓ ગુજરાતીઓએ ખાવી પડે છે- સમૃધ્ધિ ખરી પણ, સાથે મહારોગનો ભરડો. ગમે ત્યારે, ગમે તેનો ફટાકડો હ્રદય સંબંધિત બિમારીઓને કારણે ફૂટી જાય તેવી સ્થિતિઓ !!
ગુજરાતીઓમાં હ્રદયરોગ સંબંધિત ફરિયાદો વધી રહી છે- આ ગંભીર સંકેત છે. જેના મુખ્ય કારણો 2 છે. આપણી લાઈફ સ્ટાઈલ યોગ્ય નથી અને રોગનિદાન અંગે જાગૃતિ વધતાં, કેસ વધી રહ્યા છે, તબીબો-મેડિકલ સ્ટોર- હોસ્પિટલ અને ફાર્મા કંપનીઓ ચિક્કાર બિઝનેસ કરી રહી છે.(આમાં પણ અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી હશે ?!).
2022ના નવેમ્બરમાં ગુજરાતમાં હ્રદયરોગ સંબંધિત દવાઓનું વેચાણ રૂ. 1,105 કરોડ હતું. જે 2024ના નવેમ્બર સુધીમાં વધીને રૂ. 1,571 કરોડ થઈ ગયું. 2 જ વર્ષમાં 42 ટકાનો રાક્ષસી ઉછાળો. એક અભ્યાસ કહે છે: જે ગુજરાતીઓ 40 વર્ષથી વધુની વય ધરાવે છે તેમાં લોહીનું ઉંચુ દબાણ અને કિડની સંબંધિત રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે.
આ ઉપરાંત ગુજરાતીઓમાં જાડાપણાંનો રોગ પણ ઝડપથી વધી રહ્યો છે. ઘણાં ગુજરાતીઓને પોષણ નથી મળતું- ઘણાં ગુજરાતીઓની લાઈફ સ્ટાઈલ યોગ્ય નથી અને ઘણાં ગુજરાતીઓ સતત તણાવમાં જિવે છે. આ ઉપરાંત સમૃદ્ધિને કારણે રોગોની ફરિયાદ સંબંધિત જાગૃતિ વધતાં પણ કેસ વધી રહ્યા છે. અગાઉ ઓછાં લોકો નિદાન કરાવતા, ઓછા લોકો નિયમિત બોડી ચેક અપ કરાવતા.