Mysamachar.in-અમદાવાદ:
લેન્ડગ્રેબિંગ કાયદો ખૂબ જ આકરો છે એવા પ્રચાર વચ્ચે, ક્યાંક ક્યાંક એવું પણ બનતું હતું કે, ફરિયાદ અંગે આખરી નિર્ણય અગાઉ સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય હોમવર્ક ન થતું હોય એવા વિવાદો સામે આવ્યા હતાં. કેટલાંક મામલા તો છેક વડી અદાલતમાં પહોંચી ગયા હતાં. એક કેસમાં તો, એક વૃદ્ધને આરોપી જાહેર કરી- ‘ખોટી રીતે’ આઠ દિવસ સુધી જેલમાં ગોંધી રાખવામાં આવ્યા. આ મામલે વિવાદ થતાં વડી અદાલતે લેન્ડ ગ્રેબિંગ કાર્યવાહીઓ સંબંધે એક માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ નવી માર્ગદર્શિકા દરેક કલેક્ટર ( અધ્યક્ષ, લેન્ડ ગ્રેબિંગ કમિટી) અને કમિટીના સભ્યો માટે બંધનકર્તા રહેશે. વડી અદાલતના આ નિર્ણયને કારણે લેન્ડગ્રેબિંગ કાયદાના ઓઠાં હેઠળ જ્યાં પણ મનસ્વી નિર્ણયો થતાં હતાં, તેના પર રોક લાગશે. રાજ્યમાં નવા લેન્ડગ્રેબિંગ કાયદાનો ગેરલાભ પણ લેવાતો હતો. નિર્દોષ લોકોને હેરાન પણ કરવામાં આવતાં હતાં.
નવી માર્ગદર્શિકામાં જાહેર થયું છે કે, દરેક જિલ્લામથકોએ કલેક્ટર ઓફિસમાં લેન્ડગ્રેબિંગ માટે અલગ વિભાગ રાખવો પડશે. તે વિભાગમાં તાત્કાલિક અધિકારીઓની ભરતીઓ કરવાની રહેશે. લેન્ડગ્રેબિંગ માટેની કમિટીએ કોઈ પણ નિર્ણય લેતાં પહેલા બંને અથવા તમામ પક્ષકારોને નોટિસ આપી જાણ કરવાની રહેશે. આ ઉપરાંત કોઈ પણ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગયા બાદ આખરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે તે અગાઉ રેવન્યુ વિભાગમાં રેકોર્ડ થયેલાં, કેસ સંબંધિત તમામ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાન પર લેવા પડશે.(symbolic image)