Mysamachar.in-ગાંધીનગર:
મોંઘવારી અને ફૂગાવાએ માઝા મૂકી હોય, રિઝર્વ બેંક લાંબા સમયથી લોન્સ સસ્તી કરી શકતી નથી. ગુજરાતનો સામાન્ય કરદાતા નાગરિક પણ રિઝર્વ બેંક માફક બેફામ મોંઘવારીથી પીડિત છે, માર સહન કરી રહ્યો છે, નાગરિકોના ખિસ્સામાંથી વેરાઓના રૂપમાં અબજો રૂપિયા સરકારના તરભાણાં એટલે કે તિજોરીમાં ઠલવાઈ રહ્યા છે. જેને કારણે ગુજરાત સરકારની તિજોરી ફાટફાટ થઈ રહી છે અને આ જ કારણથી સામાન્ય નાગરિક બે છેડા ભેગા કરી શકતો નથી. વર્ષ 2023 કરતાં પણ વર્ષ 2024 વધુ આકરૂં સાબિત થઈ રહ્યું છે.

વર્ષ 2023 દરમિયાન ગુજરાત સરકારે ઓગસ્ટથી ઓક્ટોબરના 3 મહિનાઓ દરમિયાન, લોકો પાસેથી વેરાઓ સ્વરૂપે માત્ર GST માં જ, રૂ. 85,043 કરોડની કમાણી કરેલી. વર્ષ 2024 દરમિયાન ગુજરાત સરકારે ઓગસ્ટથી ઓક્ટોબરના 3 મહિનાઓ દરમિયાન, લોકો પાસેથી વેરાઓ સ્વરૂપે માત્ર GSTમાં જ, રૂ. 95,871 કરોડની કમાણી કરી. એટલે કે, ગત્ વર્ષની સરખામણીએ લોકોએ આ દીવાળીના મહિનાઓમાં સરકારને વધુ રૂ. 10,828 કરોડનો GST વિવિધ ચીજોની ખરીદીમાં આપ્યો. આ ઉપરાંત GST ની ચોરીઓ થઈ હોય એવા કિસ્સાઓમાં પણ લોકો પાસેથી તો ચીજોના ઉંચા ભાવ વસૂલાઈ ગયા જ હોય.
એ જ રીતે પેટ્રોલ ડીઝલ પરના VAT સહિતની તમામ ટેક્સની કુલ આવકની વાત કરીએ તો, 2023માં સરકારે ઉપરોકત 3 મહિનાઓ દરમિયાન લોકો પાસેથી રૂ. 2,40,661 કરોડની વસુલાત કરી. આ જ 3 મહિનાઓ દરમિયાન સરકારે 2024માં લોકો પાસેથી રૂ. 2,66,762 કરોડની વેરાઓની આવક મેળવી. આ વર્ષે સરકારને આ 3 મહિનાઓ દરમિયાન વધારાના રૂ. 26,101 કરોડની આવક થઈ. કલ્પના કરો, મોંઘવારીના રૂપમાં ગુજરાતના લોકો વરસે કેટલાં અબજ વધારાના ચૂકવતા હશે. આ આંકડા તો માત્ર 3 જ મહિનાના છે.
