Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યમાં એક તરફ આરોગ્ય સારવાર માટેની PMJAY યોજનાનો જયજયકાર થઈ રહ્યો છે, બીજી તરફ અમદાવાદના ખ્યાતિકાંડને કારણે ‘પેપર ફૂટી ગયું છે’ અને હકીકતો જાહેર થઈ ગઈ છે કે, આ સરસ યોજનામાં ‘ખાનગી’ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટર્સએ ‘નોટો છાપવાની સોનેરી તક’ શોધી કાઢી છે. જેને કારણે લોકો માટે ઉપકારક આ યોજના ધંધાદારી તત્વો માટે કાળી કમાણીનો અદભૂત સ્ત્રોત બની ગઈ છે. ખ્યાતિકાંડ બાદ ઘણી હોસ્પિટલ સ્કેનર હેઠળ મૂકાઈ ગઈ છે, તપાસો અને સસ્પેન્સનની કાર્યવાહીઓ થઈ રહી છે. મોરબીમાં પણ તપાસનો દોર શરૂ થયો છે.

વધુને વધુ લોકો આ આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકે તે માટે સરકારે જિલ્લામથકોએ સરકારી હોસ્પિટલો, મહાનગરોની કોર્પોરેશન સંચાલિત મોટી હોસ્પિટલો અને રાજ્યની સેંકડો ખાનગી હોસ્પિટલોનો આ યોજનામાં સમાવેશ કર્યો છે. દર વર્ષે અબજો રૂપિયાના બિલો બની રહ્યા છે, ખ્યાતિકાંડ જેવી ખાનગી હોસ્પિટલો પુષ્કળ આર્થિક લાભો મેળવી રહી છે કેમ કે સરકારી હોસ્પિટલો ખાનગી હોસ્પિટલોની સરખામણીએ બધી રીતે ‘પછાત’ હોય છે.
એક વિગત એવી બહાર આવી છે કે, રાજ્યમાં 33 પૈકી 15 જિલ્લા એવા છે જયાંની હોસ્પિટલો આ યોજનામાં વર્ષે રૂ. 100 કરોડ કરતાં વધુ અને તેનાથી કેટલાંયે ગણી રકમો કમાઈ રહી છે. જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં તો અબજો રૂપિયાના બિલો મંજૂર થઈ રહ્યા છે- આ બધાં જ લાભાર્થીઓ ‘સાચા’ છે, એવું માની લેવાની જરૂર નથી. કારણ કે આખો ખેલ આરોગ્ય સેવાઓનો જ નથી, નાણાંનો પણ છે.

જામનગર જિલ્લાના પાછલાં 3 વર્ષના આંકડા જાહેર થયા. વર્ષ 2021-22 માં જિલ્લામાં 14,143 લાભાર્થીઓ હતાં, જેમની આરોગ્ય સેવાઓ બદલ રૂ. 41.10 કરોડના બિલ બન્યા. વર્ષ 2022-23 માં લાભાર્થીઓનો આંકડો 142 ટકા વધી 20,061 થયો. રકમ 185 ટકા વધી રૂ. 76 કરોડ થઈ. અને વર્ષ 2023-24 માં લાભાર્થીઓની સંખ્યામાં 175 ટકાનો વધારો થયો, 35,145 લાભાર્થીઓ નોંધાયા. એ જ વર્ષે રકમમાં 132 ટકાનો વધારો થયો અને રૂ. 101 કરોડના બિલ બની, સરકારમાં રજૂ થયા. રાજકોટની હોસ્પિટલો વર્ષે રૂ. 200-225 કરોડ ઉસેડે છે. અને, મોરબીમાં તો આ આખી વ્યવસ્થાઓની ‘તપાસ’ પણ શરૂ થઈ ગઈ.
