Mysamachar.in-બનાસકાંઠા:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવી કૃષિ મહોત્સવ-2024નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે. એટલું જ નહીં, કમોસમી વરસાદ-વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકશાન સામે પણ રાજ્ય સરકાર કૃષિરાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તાજેતરમાં કમોસમી વરસાદ – વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકશાન સામે ખેડૂતોને રૂ. 1419 કરોડનું જે પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે.
મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણાવતા એમ પણ જણાવ્યું કે, દિવસે વીજળી આપવાની ખેડૂતતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજન બદ્ધ રીતે આગળ વધી રહી છે. આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની નેમ પણ ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા છે. અનેક યોજનાઓ અમલી બનાવી નાણાંકીય સહાય સહિત કૃષિ મેળાઓ થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કૃષિ તજજ્ઞો દ્વારા નવા સંસાધનો, નવા બિયારણો, ખેતીમાં વધુ ઉપજ, ઓછા ખર્ચે થતી ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને સરકારે પ્રોત્સાહન આપ્યું છે. ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરીને પડતર કિંમતના 50 ટકાથી વધુ રકમ ચૂકવે છે. તાજેતરમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. મગફળીની ખરીદી માટે 160 ખરીદ કેન્દ્રો ઉભા કરીને ટેકાના ભાવે ખરીદી ચાલું કરી છે. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તમામ યાંત્રિક સાધનો પર સહાય આપવામાં આવે છે.