Mysamachar.in-ગાંધીનગર:
જામનગર-રાજકોટ અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં સૂચિત જંત્રીદર વધારો ચર્ચાઓમાં છે. કારણ કે, સરકારે જે જંત્રીદરો જાહેર કર્યા છે તેમાં આશરે 200 ટકાથી માંડી 2,000 ટકા સુધીનો તોતિંગ વધારો જાહેર થયો છે. જેને કારણે મોટાભાગના વિસ્તારોમાં મિલકતોની કિંમતો રેકર્ડ પર 35-40 ટકા જેટલી વધી જશે. સ્ટેમ્પ ડ્યૂટી ખર્ચ મોટો થઈ જશે. આ બધી જ બાબતો સાથે, સરકાર તરફથી વાંધાસૂચન માત્ર ઓનલાઈન સ્વીકારવામાં આવી રહ્યા હોય, સમગ્ર રાજ્યમાં વિરોધના સૂર ઉઠ્યા. રાજકોટમાં તો રેલી પણ યોજાઈ.
દરમિયાન, જાણવા મળેલ છે કે- સરકારના મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે તમામ કલેક્ટર સાથે બેઠક કરી. તમામને સૂચનાઓ આપવામાં આવી કે, તમારાં જિલ્લામાં સૂચિત જંત્રીદરો સંબંધે વધુને વધુ પક્ષકારો પાસેથી વાંધાસૂચન મેળવો અને આ વાંધાસૂચનો ઓનલાઈન સાથે ઓફલાઈન મેળવવાની પણ વ્યવસ્થાઓ ગોઠવો. સંભવત: આગામી સોમવારથી આ ઓફલાઈન વ્યવસ્થાઓ ગોઠવાઈ જશે.

વાંધાસૂચન ઓફલાઈન દાખલ કરવા માટે એક સરળ ફોર્મટ બનાવવામાં આવી રહ્યું છે. બિલ્ડર્સ હોય કે ડેવલપર, ખેડૂત હોય કે રહેણાંક મિલ્કતધારક- બધાં જ લોકો આ સરળ ફોર્મેટનો ઉપયોગ કરી વાંધાસૂચન રજૂ કરી શકશે. આ માટેની જવાબદારીઓ સ્થાનિક મામલતદાર કચેરીઓને સોંપવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે સૂચિત જંત્રીદર સંબંધે હજારો વાંધાસૂચન આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સૂચિત જંત્રીદર આશરે 15 દિવસ અગાઉ જાહેર થઈ ગયા છે. હાલમાં વાંધાસૂચન આપવાની અંતિમ તારીખ 20 ડિસેમ્બર છે, જે લંબાવવામાં આવે તેવી પણ શકયતાઓ છે. એ પણ નોંધનીય છે કે, વાંધાસૂચન મેળવવાની સરકારની ઓનલાઈન વ્યવસ્થામાં અનેક અડચણ છે. મોટાભાગના ખેડૂતોને ઈ-મેઈલ એડ્રેસ ખબર નથી. નેટની સ્પીડની સમસ્યાઓ છે. ઘણાં લોકોને OTP નથી મળતો એ પણ સમસ્યા છે.
