Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો સહિતના લાખો ગ્રામજનો ખેતીની જમીનો અને રહેણાંક સહિતની મિલકતો બારામાં ભારે હાલાકીઓ વેઠી રહ્યા છે, આ પ્રક્રિયાઓ સરળ અને તેજ બનાવવા કોઈ પણ સ્તરેથી પ્રયાસો થતાં ન હોય, લાખો ગ્રામજનોમાં રોષ અને નિરાશા જોવા મળે છે. સરકારની સ્વામીત્વ યોજના બાબતે પણ લોકો ખુશ નથી, કેમ કે તેમાં નીતિગત અડચણો રહેલી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની જમીન બાબતે જે રિ-સર્વે કામગીરીઓ ચાલી રહી છે, તેનાથી ખેડૂતો જે રીતે નારાજ છે એ જ રીતે ગ્રામ્ય વિસ્તારોની મિલકતોના સતાપ્રકાર બાબતે પણ લાખો લોકો હતાશ છે. સરકાર દ્વારા સ્વામીત્વ યોજનાની કામગીરીઓ થઈ રહી છે. તેમાં ગ્રામ પંચાયત દ્વારા મિલકતોને જે વેરાપાવતી આપવામાં આવે છે, તેના આધારે આ મિલકતોના માલિકોના નામ નક્કી થઈ રહ્યા છે અને એ રીતે મિલકતોના પ્રોપર્ટી કાર્ડ બની રહ્યા છે, જો કે ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકોને તો સરકારની આ કામગીરીઓની ખબર પણ નથી.

ખેતીની જમીનના રિ-સર્વે માફક આ સ્વામીત્વ યોજનામાં પણ અડચણ છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગની મિલકતો રાજાશાહીના જમાનાની છે, જે બિનખેતી થયેલી હોતી નથી. આ પ્રકારની મિલકતોને જ્યારે તંત્ર તરફથી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે ત્યારે તેમાં મિલકતોનો સતાપ્રકાર K1 દર્શાવવામાં આવે છે. મિલકતોના આ સતાપ્રકારને કારણે અડચણો ઉભી થઈ રહી છે, આ પ્રકારની મિલકતના વેચાણની પ્રક્રિયાઓ ખૂબ જ લાંબી અને જટિલ હોય છે. આ વેચાણ પ્રક્રિયાઓ લાંબી અને જટિલ હોવાથી મિલકતોનું હસ્તાંતરણ આસાનીથી શક્ય બનતું નથી, મિલકતધારકો આ મિલકતો પર લોન મેળવી શકતા નથી.
મિલકતોના સતાપ્રકાર ઘણાં હોય છે, સરકારે આ તમામ મિલકતો સતાપ્રકારની દ્રષ્ટિએ એવી રીતે વર્ગીકૃત કરવી જોઈએ કે જેથી મિલકતોનું આસાનીથી વેચાણ થઈ શકે, મિલકતધારકને લોન મળી શકે. આ પ્રકારનો નીતિગત ફેરફાર કરવામાં આવે તો, ગ્રામ્ય વિસ્તારોમાં સ્વામીત્વ યોજનાને મોટો પ્રતિસાદ મળી શકે અને પ્રોપર્ટી કાર્ડના આધારે આ લાખો મિલકતોનું હસ્તાંતરણ ઝડપી બનાવી શકાય. હાલમાં તો આ સ્વામીત્વ યોજનામાં ખેતીની જમીનની રિ-સર્વે કામગીરીઓ માફક અડચણ આવી રહી છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં આ સ્વામીત્વ યોજના માટે હાલ ડ્રોન કેમેરાથી કામગીરીઓ થઈ રહી છે, સંખ્યાબંધ મિલકતો એવી પણ હોય છે જેમાં દોરવામાં આવેલા સફેદ પટ્ટા વૃક્ષોને કારણે ડ્રોન કેમેરામાં દેખાતા નથી. જેને કારણે ક્ષેત્રફળના આ સર્વેમાં સ્થળ પર અડચણો ઉભી થઈ રહી છે, સર્વે સારી રીતે કરી શકાતો નથી.
