Mysamachar.in-જામનગર:
અમદાવાદમાં જ્યારથી સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બની ગયો ત્યારથી, રાજકોટ અને જામનગરના નેતાઓ તથા મહાનગરપાલિકાઓને પણ ચાનક ચઢી છે કે, આપણે પણ અમદાવાદ જેવો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કરોડો રૂપિયાના ખર્ચથી આપણાં શહેરમાં બનાવીએ અને એય ને મજો, મજો. નગરજનો સહિત સૌ ખુશ. પરંતુ જ્યાં સુધી જામનગરને લાગેવળગે છે- આ ગુબ્બારો વર્ષોથી નગરના આકાશમાં ચગી રહ્યો છે, આ પ્રોજેક્ટ આકાશમાંથી ધરતી પર ક્યારે આવશે, રામ જાણે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, જામનગરમાં આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની માત્ર વાતો જ થઈ રહી છે, ક્યાંય, કોઈ નક્કર કામગીરીઓ થતી નજરે ચડતી નથી. વર્ષોથી આ પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ જ થયે રાખે છે. આ પ્રોજેક્ટ આદરવા મહાનગરપાલિકાએ ભલે સૈદ્ધાંતિક સ્વીકાર કરી લીધો, રાજ્ય સરકારે હજુ સુધી આ દિશામાં કોઈ મન બનાવ્યું નથી, કોઈ નિર્ણય લીધો નથી, કોઈ નક્કર જાહેરાત કરી નથી. એટલું જ નહીં, જામનગર મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટ માટે ગાંધીનગર સમક્ષ નાણાંની માંગ કરી છે- પણ સરકારે હજુ સુધી આ માંગનો કોઈ જ જવાબ આપ્યો નથી. આ માંગ ધ્યાન પર પણ લીધી નથી. અને, અહીં સ્થાનિક કક્ષાએ આ સૂચિત પ્રોજેક્ટની આસપાસની જમીનોમાં ‘ખેલા’ થઈ રહ્યા છે. કાનૂની વિવાદો પણ ચાલુ થઈ ગયા. અને, સૌથી સંવેદનશીલ અને મોટો મામલો અને પડકાર એ છે કે- નદીના પટ્ટમાં ખડકાયેલા અગણિત દબાણોનું શું ?! આ બધી કામગીરીઓ અને કાર્યવાહીઓમાં હજુ વરસો વીતી જશે, એમ જાણકારો માને છે.

બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે, દાયકાઓ અગાઉના નકશા મુજબ નદીનો એકઝેટ વિસ્તાર કોણ, કેવી રીતે, ક્યારે નક્કી કરશે ? નદીના મૂળ રૂટને દબાણો દ્વારા ફેરવી નાંખવામાં આવ્યો છે. નદીના પટ્ટમાં હાલના રૂટમાં પણ દબાણો છે. આ અગણિત દબાણો મહાનગરપાલિકા હટાવી શકે ? નદીની મૂળ સ્થિતિ નક્કી કરવા ઘણાં મહિનાઓથી જિલ્લા લેન્ડ રેકર્ડ કચેરી મથી રહી છે, આ કામગીરીઓ કયારેય વેગવંતી બનાવી શકાય નથી. હદ-દિશા માપણી, દબાણોનું ક્ષેત્રફળ, દબાણોની સંખ્યા, દબાણોના રહેણાંક સહિતના પ્રકાર, નદી કાંઠે ખડકાઈ ગયેલી સોસાયટીઝ- આ બધી જ બાબતો સમાજકારણ અને રાજકારણ તેમજ ભૌગોલિક દ્રષ્ટિએ એટલી બધી મોટી અને ગંભીર છે કે, માપણી કામગીરીઓ પણ હજુ ખૂબ લાંબા સમય સુધી ચાલશે. તે દરમિયાન અને પછી બબાલો થશે, એ અલગ. ટૂંકમાં, સૂત્ર અનુસાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નાણાંની દ્રષ્ટિએ અને જમીની હકીકતોની દ્રષ્ટિએ દેખાઈ રહ્યો છે, એટલો આસાન તો નથી જ. તેથી વર્ષોથી માત્ર વાતો થઈ રહી છે અને હજુ વર્ષો સુધી માત્ર વાતો જ થશે. રાજકોટ જેવા મહાનગરમાં પણ હજુ રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કોઈ ઠેકાણું નથી ત્યારે, જામનગરમાં આ ગુબ્બારો જમીની હકીકત ક્યારે બની શકે ?! રામ જાણે.
