Mysamachar.in-જામનગર:
જામનગર શહેરને સ્માર્ટ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, તેમાં પણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય લોકોને સુખ સુવિધાઓનો અહેસાસ થાય શહેર સ્માર્ટ સીટી જેવું લાગે તે માટે જામનગર મનપા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જરૂરિયાત મુજબના વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેનાથી શહેરની શોભા વધી રહી છે, જામનગર શહેરના શરુ સેક્શન રોડનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે કારણ કે આ રોડ પર કલેકટર કચેરી, મામલતદાર કચેરી, દસ્તાવેજ નોંધણી અધિકારીની કચેરીઓ, પોલીસ હેડ કવાર્ટર, સહિતની સરકારી કચેરીઓ આવેલ છે, અહી સ્થાનિક લોકોના ધસારા ઉપરાંત વીઆઈપી મુવમેન્ટ પણ રહેતી હોય છે, તે બે કિલોમીટરના માર્ગ પર વધુ એક અગત્યનું કામ ગૌરવપથનું ચાલી રહ્યું છે જ્યાં રોડની સાઈડે ગૌરવપથ જે માર્ગને જાહેર કરવામાં આવ્યો છે ત્યાં બ્યુટીફીકેશનનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્પેશ્યલ કેપીટલ આસીસ્ટન્ટ -VIની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં.5 પાયલોટ બંગલાથી પંચવટી- માનસરોવર એપાર્ટમેન્ટ સુધીના રસ્તાને ગૌરવ પથ કમ્પલીટ સ્ટ્રીટ તરીકે ડેવલોપ કરવાનું કામ રૂા.1522.48 લાખના ખર્ચે હાલ પુરજોશમાં સ્ટાન્ડર્ડ બિલ્ડકોન નામની પેઢી દ્વારા ચાલી રહ્યું છે. પાયલોટ બંગલાથી પંચવટી – માનસરોવર એપાર્ટમેન્ટ સુધીના રસ્તાને ગૌરવ પથ કમ્પલીટ સ્ટ્રીટ તરીકે ડેવલોપ કરવાના કામે આશરે 2.0 કિ.મી. ની લંબાઈમાં મુખ્ય માર્ગની બંને બાજુએ સ્ટ્રોમ વોટર ડકટ ફેસેલીટી, કેબલ ડકટ ફેસેલીટી, કોબાલ્ટ સ્ટોન-પેવર બ્લોક ફલોરીંગ, ગજેબો, અલગ અલગ વૃક્ષોનું પ્લાન્ટેશન, સર્વિસ રોડ, રંગબેરંગી લાઈટીંગ, આ રોડમાં બન્ને બાજુ મળીને 4200 રનીંગ મીટર થશે તેમ જાણવા મળે છે.આમ આ કામ પૂર્ણ થતા શહેરની સુંદરતામાં વધારો થશે તેવો દાવો જામનગર મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર કામ યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુર્યા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા સહિતના પદાધિકારીઓ સાથે સંકલન સાધી અને મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને નાયબ કમિશ્નર ડી.એન.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ સીટી ઈજનેર ભાવેશ જાનીની સૂચનાઓ મુજબ સિવિલ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર હિતેશ પાઠક સહિત લગત શાખાના અધિકારીઓ કર્મચારીઓ એજન્સી સાથે સંકલન કરી અને કામગીરીને આગળ ધપાવી રહ્યા છે તેમ જાણવા મળે છે.
-વધુ એક રોડ પણ ઝગમગશે….
આગામી દિવસોમાં જામનગર મનપા દ્વારા શહેરના પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધી પણ આ જ રીતે અલગ અલગ બ્યુટીફીકેશન કાર્ય પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે જેને કારણે અતિ વિકસિત એવા વિસ્તારનો ઝગમગાટ પણ વધી જશે તેમ અધિકારીક સુત્રો જણાવે છે.