Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર વિવિધ પ્રકારની ‘કળાકારીગરી’ મામલે જાણીતું છે. જુદાંજુદાં પ્રકારના કોન્ટ્રાક્ટ આપીને, કરદાતા નગરજનોના નાણાં સિફતથી કોન્ટ્રાક્ટરના ખિસ્સા સુધી કેમ પહોંચાડવા તે માટેની ‘ગોઠવણ’ કોર્પોરેશનમાં રાતદિવસ ચાલતી રહે છે, આ પ્રકારની વધુ એક ગોઠવણ સિકયોરિટી ગાર્ડની નિમણૂંકના મામલામાં પણ કરી લેવામાં આવી છે, જેમાં દર વર્ષે મહાનગરપાલિકાની તિજોરીમાંથી રૂ. 2 કરોડ કોન્ટ્રાક્ટર સુધી પહોંચી જશે, અને આ માટે 2 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ એક પાર્ટી સાથે થઈ ગયો છે, આ કોન્ટ્રાક્ટરને 2 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયા આપવામાં આવશે.
આ આખા મામલાની રેકર્ડ પરની વિગતો આ પ્રમાણે છે: મહાનગરપાલિકાએ વર્ષ 2024-25 અને વર્ષ 2025-26 માટે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કોન્ટ્રાક્ટ અનુસાર, જે પાર્ટી મહાનગરપાલિકાને સિકયોરિટી કર્મચારીઓ પૂરાં પાડી રહી છે તે દરેક કર્મચારીને સરકારના મિનિમમ વેજિસ અનુસાર દૈનિક રૂ. 606.69 પૈસા લેખે વેતન ચૂકવવાપાત્ર થશે. આ પ્રકારના 86 સિકયોરિટી કર્મચારીઓની ગણતરી કરવામાં આવી છે. જેમને એક વર્ષ એટલે કે 365 દિવસ દરમિયાન કુલ રૂ. 1,90,43,999 ચૂકવવાપાત્ર થશે. આ રકમ પર 5 ટકા લેખે રૂ. 9,52,199 GSTની ગણતરી કરવાની રહેશે. આ કોન્ટ્રાક્ટ આદિત્ય સિકયોરિટી સર્વિસ-જામનગરને આપવામાં આવ્યો છે. અહીં રસપ્રદ બાબત એ પણ છે કે, કુલ 4 એજન્સીઓએ મહાનગરપાલિકાને આ કામ માટે જે ભાવ આપ્યા હતાં, તે ચારેય ભાવ સંપૂર્ણ એકસમાન હોવાનું બહાર આવ્યું છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અગાઉ આ પ્રકારના કામ માટે કોન્ટ્રાક્ટર માટે માલમિલકતના રક્ષણ માટે એજન્સીની પૂરી પાડનાર એજન્સી એવો શબ્દપ્રયોગ થતો. (જેના પર 18 ટકા GST છે). હવે એમ કહેવાયું છે કે, મહાનગરપાલિકાની ‘મેનપાવર’ સેવા’ લેવામાં આવી રહી છે. (જેના પર માત્ર 5 ટકા GST છે). આ શબ્દપ્રયોગથી રાજય સરકારની તિજોરીમાં 13 ટકા રકમ ઓછી જમા થશે અને આ 13 ટકા રકમ કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં રહી શકશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એક જમાનામાં મહાનગરપાલિકા પાસે 86 કાયમી સિકયોરિટી ગાર્ડ હતાં, પરંતુ 1984-85 અને 2001માં, એમ બે જ વખત મહાનગરપાલિકાએ આ ભરતીઓ કરી. આ 86 પૈકી 70 જગ્યાઓ પર આટલાં વર્ષથી ભરતીઓ કરવામાં આવી નથી. આ જગ્યાઓ ખાલી છે. નવી કોન્ટ્રાક્ટર એજન્સી નવા 86 કર્મચારીઓ આપી રહી છે. 23 વર્ષથી કાયમી ભરતીઓ બંધ થઈ હોય, આ કામગીરીઓનું સંપૂર્ણ ખાનગીકરણ(કોન્ટ્રાક્ટરના લાભાર્થે) કરી નાંખવામાં આવ્યું હોવાની ચર્ચાઓ મહાનગરપાલિકામાં જાણકારો કરી રહ્યા છે.ભલે બધું ધારાધોરણ મુજબ થયું હોવા છતાં પણ આટલો મોટો ખર્ચ એક વખત તો અચરજ પમાડે તેવો જ છે.(symbolic image source:google)