Mysamachar.in-જામનગર:
એક જમાનામાં જામનગરને, નદી કાંઠે વસેલું રળિયામણું નગર કહેવામાં આવતું. આજે કમનસીબી એ છે કે, રંગમતી અને નાગમતી નદી, નદીઓનું સ્વરૂપ ગુમાવી બેઠી, પ્રથમ આ નદીઓ ‘ગટર’ બની અને બાદમાં આ નદીઓ ‘ઝેરી ગટર’ બની ગઈ ! છતાં કયાંય, કયારેય કોઈ કાર્યવાહીઓ નહીં. આ ઝેરી ગટરો નદીકિનારાના વિસ્તારોના ભૂગર્ભજળને દૂષિત કરી, હજારો નગરજનોને સેંકડો પ્રકારના રોગ ભેટમાં આપે છે છતાં, કયાંય-કયારેય-કોઈ જ કાર્યવાહીઓ નહીં.
જામનગરમાં એક તરફ ધીમા સૂરે રિવરફ્રન્ટનો રાગ આલાપવામાં આવે છે. બીજી તરફ સત્તાવાર રીતે રિવરફ્રન્ટ અંગે કોઈ કશું બોલતું નથી. ત્રીજી તરફ નદીઓ ઝેરી ગટર બની ગઈ છે. બ્રાસ ઉદ્યોગનું ઝેરી અને જોખમી વપરાશી પાણી, તંત્રનો ડર રાખ્યા વગર, કારખાનેદારો વર્ષોથી નદીઓમાં છોડે છે. એમને કોઈ દંડતું નથી. નદીઓની તંદુરસ્તી ચોમાસા પછીના તરતના દિવસોમાં પણ જળવાતી નથી. મહાનગરપાલિકા અન્ય કામોમાં વ્યસ્ત અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આ બાબતે કોઈ જ નોંધપાત્ર કાર્યવાહીઓ કે કામગીરીઓ કરતી નથી. ઉદ્યોગો આ કચેરીને ગણકારતા નથી. કે, આ કચેરી મૌન રહેવાની કિંમત વસૂલી રહી છે ?! એવી પણ શંકાઓ અને ચર્ચાઓ નગરમાં સાંભળવા મળે છે.
હાલમાં પણ આ નદીમાં છેક લાલપુર બાયપાસથી માંડી વ્હોરા હજીરા સુધી અને આગળ પણ ફીણના ગોટેગોટા જોવા મળે છે. આ કચરો અને ગંદકી જામનગરના નદીકિનારાના વિસ્તારોના ભૂગર્ભજળને કેટલાં પ્રમાણમાં દૂષિત કરે છે, તેની નગરજનોના આરોગ્ય અને ખેતી પર શું અસરો દેખાઈ રહી છે- તેનો અભ્યાસ કરવામાં આવતો નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર અને રાજયની સરકારો અને ખુદ વડી અદાલત પણ જળસ્ત્રોત અને તેની શુદ્ધતા પ્રત્યે ગંભીર છે છતાં જામનગરમાં આ લાલિયાવાડીઓ શા માટે ચાલી રહી છે ?! જામનગર ગુજરાત-ભારતના નકશામાં નથી ?! જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આ મામલે ગાંધીનગરથી કયારેય કોઈ જ ખુલાસો શા માટે પૂછવામાં આવતો નથી ? આજે બપોરે Mysamachar.in દ્વારા નદીનાં આ પ્રદૂષણ મુદ્દે જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના મુખ્ય અધિકારી જી.બી.ભટ્ટનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે એટલું જ કહ્યું કે- આજે સવારે અમારી ટીમ દ્વારા નદીના પ્રદૂષણ મામલે સેમ્પલ લેવામાં આવ્યા છે.
ત્યારબાદ, આ અધિકારીને પૂછવામાં આવ્યું કે- કેટલાં સેમ્પલ લીધાં, ક્યાં કયાંથી સેમ્પલ લીધાં ? પ્રાથમિક દ્રષ્ટિએ શું જણાય છે, સેમ્પલ લીધાં બાદ હવે શું પગલાંઓ લેવામાં આવશે ? આ પ્રકારના તમામ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી, અધિકારીએ મૌન રહેવાનું પસંદ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં બ્રાસ ઉદ્યોગ દ્વારા પાણી, જમીન અને વાયુસંબંધી જે પ્રદૂષણ વર્ષોથી ફેલાવવામાં આવી રહ્યું છે, તે અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હંમેશા નિષ્ક્રિય રહ્યું છે અને લાખો નગરજનોના આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે અને સમૃધ્ધ બ્રાસ ઉદ્યોગ પ્રત્યે ‘કૂણી લાગણીઓ’ દેખાડવામાં આવી રહી છે. નગરજનો માટે આ મોટો ખતરો છે. રાજ્યનું વન અને પર્યાવરણ મંત્રાલય જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ અંગે ખુલાસો પૂછે તો નગરજનોને આશ્વાસન મળી શકે કે, સરકાર આપણાં આરોગ્ય અને જામનગરના પર્યાવરણ વિષે ચિંતિત તો છે જ.