Mysamachar.in:ગોધરા:
જજને અચરજ થયું..અહીં, ચાલુ કોર્ટમાં લાંચ લઈ લેવાની ઓફર…જજે પોલીસને બોલાવી, લાંચ આપવાનો પ્રયાસ કરનાર બાપુભાઈ નામના આ શખ્સને પોલીસહવાલે કરી દીધો. આ મામલો લેબર કોર્ટમાં બન્યો. આ એપિસોડ કોઈ ફિલ્મ કે ટીવી સિરિયલનું શૂટિંગ ન હતું. ગોધરાની એક અદાલતમાં આ રિયાલિટી ભજવાઈ ગઈ ! ક્રમશ: આરોપીઓની હિંમત આટલે સુધી વધી ગઈ- તેનો આ રેકર્ડ પરનો પુરાવો.
આજના જમાનામાં ગુનાઓ આચરનાર શખ્સોને પોલીસ કે ન્યાયની અદાલતનો ભય રહ્યો ન હોય, એવા અનેક બનાવ બને છે કારણ કે, કેમ છૂટી જવું તે કળા મોટાભાગના આરોપીઓ જાણે છે. પરંતુ ગોધરામાં ચાલુ અદાલતે જે બન્યું તે જોઈ જજની આંખો પણ ચાર થઈ ગઈ. ગોધરાની મજૂર અદાલતમાં એક શખ્સે પોતાનો કેસ સૂલટાવવા ચાલુ કોર્ટે જજને બંધ કવરમાં લાંચના નાણાં ઓફર કર્યા ! આરોપીની આ હિંમતની ચર્ચાઓ થઈ રહી છે.
સામાન્ય રીતે લાંચ લેનારાઓ ઝડપાઈ જતાં હોય છે, આ મામલામાં લાંચ આપવાનો પ્રયાસ કરનાર બાપુભાઈ સોલંકી નામનો શખ્સ ઝડપાઈ ગયો. ગોધરાની એક મજૂર અદાલતમાં ન્યાયાધીશ એચ.એ.મકા એક રોજમદાર કર્મચારીના કેસની સુનાવણી કરી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો. ચાલુ સુનાવણીએ, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી નામના શખ્સે, જજને બંધ કવર આપ્યું. જજે પૂછ્યું: કવરમાં શું છે ? બાપુભાઈએ જવાબ આપ્યો: રોજમદાર તરીકે છૂટા કરાયા તેની વિગતો અને રૂ. 35,000 રોકડા.
આ સાંભળી અચરજ પામેલાં જજ મકાએ પોલીસ બોલાવી, બાપુભાઈને બેસાડી દીધો, અદાલતના અધિક્ષકે ACBને બોલાવી, ACBએ લાંચ આપવાના આરોપસર આ બાપુની અટકાયત કરી લીધી. બાપુ નામનો આ શખ્સ ભાદર ડેમ યોજનામાં રોજમદાર હતો. તેને છૂટો કરવામાં આવેલો હોય ગત્ વર્ષે તેણે ફરી નોકરી મેળવવા કેસ દાખલ કરેલો. આ કેસની સુનાવણી 12-12-2024ના દિવસે થવાની હતી, એ પહેલાં બાપુએ પોતાની તરફેણમાં હુકમ મેળવવા, ચાલુ કોર્ટમાં આ લાંચકાંડ કર્યો. લાંચની ઓફર કરનારની અટકાયત થઈ હોય એવો પંચમહાલ જિલ્લાનો આ પ્રથમ કેસ છે. બાપુભાઈનો આ કાંડ આખા રાજ્યમાં ચર્ચાઓમાં છે. અદાલત હતપ્રભ છે.