Mysamachar.in-જામનગર:
જામનગર પોલીસની ટ્રાફિક શાખા અને રેગ્યુલર પોલીસને જ્યારે મજા આવે ત્યારે, ટ્રાફિક અને વાહનોના કાગળો તપાસવાની ચાનક ચડે છે, બાકીના દિવસોમાં બધે જ જંગલરાજ જેવી સ્થિતિઓ જોવા મળતી હોય છે. ઘણાં માર્ગો પર ટ્રાફિક જામ રહેતો હોય છે, ઘણાં વિસ્તારોમાં ગેરકાયદેસર પાર્કિંગને કારણે મુખ્ય માર્ગો પર વાહનોના થપ્પા લાગતાં હોય છે, ઘણાં વન-વે રસ્તાઓ પર વાહનચાલકો મનમાની કરતાં હોય છે, આવી બધી બાબતોને નજરઅંદાજ કરતી પોલીસ અને ટ્રાફિક પોલીસ એક જ સ્થળ પર ચેકિંગ અને ડ્રાઇવના નાટકો કરતી રહેતી હોય લોકોમાં તરેહતરેહની ચર્ચાઓ થતી રહે છે.
જામનગર શહેરમાં અમુક રસ્તાઓ સત્તાવાળાઓ દ્વારા વન-વે જાહેર કરવામાં આવ્યા છે. આમાં પણ બે-ત્રણ રસ્તા ઉપર તો ટ્રાફિકનું એટલું બધું ભારણ રહેછે કે, એકાદ વાહન જેતે રસ્તા ઉપર થોડીવાર માટે પણ જો ઉભું રહી જાયતો પાછળ આવતા બીજા વાહનોના થપ્પા લાગી જાય!
હાલમાં લાલ બંગલાથી લીમડાલેન સુધી વન-વે ના કાયદાનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ સહિત અન્ય સજા કરવામાં આવેછે. પ્રશ્ન એ છે કે, વન-વે ના કાયદાનો અમલ ફક્ત એકજ વિસ્તારમાં શામાટે? ત્રણબત્તી વિસ્તારમાં રામડેરીથી અંબર ચોકડી નજીક વાળો રસ્તો પણ વન-વે છે, વળી અહીં તો ખુદ ડી.એસ.પી. નો બંગલો પણ આવેલો છે! ખુદ એસ.પી.ના રહેઠાણ પાસે આ પરિસ્થિતિ હોય તો પછી અન્ય રસ્તા ઉપર થતા વન- વે ના ભંગની ફરિયાદ ક્યાં કરવી?
કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર રોડ ઉપર તો રાજકોટ તરફથી, પોટરી વાળા એરિયા તરફથી, ત્રણ દરવાજા તરફથી હેવી વાહનો વન- વે ના કાયદાની ઐસીતૈસી કરીને લગત દુકાનોમાં માલનું લોડિંગ -અનલોડિંગ કરતા હોયછે જેને કારણે જુના અનુપમ સિનેમા તરફથી ત્રણ દરવાજા તરફ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડેછે!! બેડીગેઈટ, ઉમિયા ભજીયા વાળા ની દુકાન પાસે પણ આવી જ સમસ્યા છે! સત્તાવાળાઓ દ્વારા આવા દરેક વન-વે રસ્તા ઉપર કાયદા મુજબ અમલ કરાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી છે!