Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકારના અધિકારીઓ અને નેતાઓ અવારનવાર જાહેર કાર્યક્રમોમાં અને સરકારી કાર્યક્રમોમાં ડિજિટલ ગુજરાતના ગુણગાન ગાતાં રહે છે, પરંતુ હકીકત એ રહી છે કે- સરકારના કોમ્પ્યુટર ડબલાં છે અને નેટ કનેકટિવિટી કંગાળ છે તથા સરકારનું સર્વર ભંગાર છે, જેને કારણે અડધું પોણું ગુજરાત રોજ સવારે વિવિધ કામો માટે કતારોમાં ઉભવા મજબૂર છે. જેની સાથે એ પણ કડવી હકીકત છે કે, લાખો લોકોની આ હાલાકીઓ સંબંધે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંખ આડા કાન કરી રહ્યા હોય- લાખો નાગરિકોનું જાણે કે કોઈ નથી. એવી ટીકાઓ સર્વત્ર સંભળાઈ રહી છે. આમ છતાં લાંબા સમયથી આ ગંભીર સ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળતો નથી. જે ડિજિટલ ગુજરાતની પોકળતા છતી કરે છે.

આધારકાર્ડ, ખેડૂતોને કિસાન સન્માન નિધિ અને રાશનકાર્ડ તથા આધારકાર્ડ લિંક કરાવવાની બાબત તેમજ શિષ્યવૃતિ સહિતના કામોમાં E-KYC તથા આધારકાર્ડમાં જરૂરી સુધારાઓ વગેરેના કામો માટે લાખો લોકો પરેશાન છે. સૌ કતારોમાં ઉભવા મજબૂર છે. લોકોએ કામધંધા બાજુ પર મૂકી દિવસો સુધી કતારોમાં ઉભવું પડે છે. કેન્દ્રો પર પૂરતાં કોમ્પ્યુટર ઓપરેટર હોતાં નથી. નેટ કનેક્ટીવિટીની સમસ્યાઓ છે. સરકારનું ભંગાર સર્વર ચાલતું હોતું નથી. કેન્દ્રો પર મોટી કતારો છતાં રોજ માત્ર 35-40 લોકોના કામ થતાં હોય છે. લોકોના મોબાઈલ પર OTP આવી ગયા બાદ પણ નેટનું ચકકરડું ફર્યે રાખતું હોય છે, ગૃહિણીઓ ઘરના કામો, જવાબદારીઓ અને છોકરાં રેઢાં મૂકી કતારોમાં ઉભી હોય છે, તેમને રોજ ધક્કા ખાવા પડે છે. નોકરિયાતોને આ કામ માટે નોકરીમાંથી રજાઓ લેવી પડે છે. ચૂંટણીઓ ટાણે મતદારોને ઘરેઘરે મતદાન કાપલી પહોંચાડતાં તંત્રો લોકોના આવા કામોમાં અકાર્યક્ષમ શા માટે સાબિત થઈ રહ્યા છે, સરકાર લાખો લોકોની હાલાકીઓથી અજાણ છે ?

ગ્રામ પંચાયતોથી માંડીને છેક જિલ્લાકક્ષાએ પણ સ્ટાફનાં ધાંધિયા, કીટની ઓછી સંખ્યા જેવા કારણોને લઈ કર્મચારીઓ પણ પરેશાન છે, ઉચ્ચ અધિકારીઓ આ મુશ્કેલીઓ ઉકેલી શકતા નથી ! કેમ ?! અને, જન પ્રતિનિધિઓ આ હાલાકીઓ અંગે મૌન !! લાખો લોકોની હાલાકીઓ બિનવારસુ ! લોકો નિરાધાર.
રાશનકાર્ડ અને આધારકાર્ડ લિંક અપ કામોમાં પણ લાખો લોકો હેરાન, ઘરના એક સભ્યનું પણ જો KYC બાકી રહે તો, આખું રાશનકાર્ડ નકામું. સસ્તા અનાજની દુકાન પરથી માસિક જથ્થો ન મળે. સસ્તા અનાજની દુકાનો પર પણ ડિજિટલ ગુજરાતના ધાંધિયા. સમગ્ર રાજ્યમાં જોવા મળતી આ અંધાધૂંધી- ક્યારે, કોણ દૂર કરશે ? વિપક્ષ પણ હલ્લાબોલ મચાવવાથી દૂર હોવાની સ્થિતિઓ જોવા મળી રહી છે- લાખો ‘મતદારો’ ચૂંટણીઓ સિવાયના આ દિવસોમાં નધણિયાતા !!
