Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત પોલીસની વિવિધ શાખાઓ થોડા થોડા દિવસે રાજ્યની વડી અદાલતની હડફેટમાં આવી જાય છે. અમુક કેસમાં વડી અદાલત અમદાવાદની ટ્રાફિક પોલીસને ઠપકો આપે છે, અમુક કેસમાં વડી અદાલત રાજકોટ પોલીસને ઉઘાડી કરી નાંખે છે. આ પ્રકારના વધુ એક કેસમાં અદાલતે CID ક્રાઈમને ખૂબ જ આકરાં શબ્દો કહ્યા છે અને યોગ્ય કાર્યવાહીઓ માટે રાજ્યના ગૃહવિભાગ અને રાજ્યના પોલીસ વડાને ફરમાન છોડ્યું છે.
વડી અદાલતે એક કેસમાં ટીપ્પણીઓ કરતાં, CID ક્રાઈમને ત્યાં સુધી કહ્યું કે- પોલીસ નાગરિકોના ભલા માટે છે, નાગરિકોને પરેશાન કરવા માટે નહીં. વડી અદાલતે આ મામલામાં એમ પણ કહ્યું કે, CID ક્રાઈમ સરકારપક્ષે ડ્રગ્સ સહિતના કેસોમાં કેમ રસ લેતી નથી ? અને, નાણાંકીય સેટલમેન્ટ અને રિકવરી એજન્ટ જેવા કેસોમાં કેમ વધુ રસ લ્યે છે ? શું CID ક્રાઈમની રચના આવા સેટલમેન્ટ માટે કરાયેલી છે ? વડી અદાલતે એમ પણ કહ્યું કે, અદાલતે અગાઉ પણ આવા હુકમો કર્યા છે. પરંતુ તમારાં ઉચ્ચ અધિકારીઓએ કેમ નોંધ લીધી નથી ? તમારાં ઉચ્ચ અધિકારીઓને હાઈકોર્ટ રૂબરૂ હાજર થવું પડશે. તમારે નાણાંકીય વિવાદોમાં પડવાનું હોતું જ નથી. અમે (એટલે કે અદાલત) અહીં તમારી સિસ્ટમ સુધારવા નથી બેઠાં, સિસ્ટમને કારણે કોઈ નાગરિક પરેશાન ન થવા જોઈએ. પોલીસની રચના નાગરિકોની સુરક્ષા માટે છે, નહીં કે તેમને હેરાન પરેશાન કરવા માટે.
નાણાંકીય તકરારો, દીવાની દાવાઓ અને પૈસાની લેતીદેતી (કોમર્શિયલ સહિતની)ના કેસોમાં ગુજરાત હાઇકોર્ટની વારંવારની ચેતવણીઓ છતાં CID ક્રાઈમની રિકવરી એજન્ટ જેવી ભૂમિકાઓ વધુ એક વખત સામે આવતાં ગુજરાત હાઇકોર્ટે ભરચકક અદાલતમાં CID ક્રાઈમના અધિકારીઓનો ઉધડો લઈ નાંખ્યો હતો. સુધારાઓ લાવવા અને જરૂરી કાર્યવાહીઓ કરવા ગૃહવિભાગ અને રાજ્યના પોલીસવડાને ફરમાન થયું છે.
કેટલીક ફરિયાદો પોલીસ વર્ષો સુધી લેતી નથી, એસપી અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ ધ્યાન આપતાં નથી, આખરે ફરિયાદી થાકીને CID ક્રાઈમમાં ફરિયાદ માટે જાય છે, ત્યાં પણ ઘણાં કેસમાં નાગરિકને કડવા અનુભવ થઈ રહ્યા છે. CID ઘણાં કેસોમાં ‘પતાવટ’ માટે સક્રિય થતી હોય છે. કેટલાંક કેસો એવા પણ હોય છે, જે વર્ષો અગાઉના હોય છે, આવી ફરિયાદને CID ક્રાઈમ વેલકમ કરી લ્યે અને પછી ‘ખેલ’ શરૂ થતાં હોય છે. આમ, અમદાવાદ અને રાજકોટ પોલીસની માફક રાજ્યની CID ક્રાઈમ પણ વડી અદાલતની ખફગીનું નિશાન બની છે. જેને કારણે ગૃહવિભાગ પણ ચર્ચામાં આવ્યો.