Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યના નાના ઉદ્યોગો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. અગાઉની સરખામણીએ લોનની કુલ રકમ 3 ગણાંથી પણ મોટી કરવામાં આવી છે અને સબસિડીમાં પણ મોટો વધારો કરી આપવામાં આવ્યો છે. હજારો ઉદ્યોગકારો હવે ઓનલાઈન બિઝનેસ કરતાં થઈ જશે, કારીગરો પણ ઓનલાઈન બિઝનેસ કરી શકશે.
રાજ્ય સરકાર દ્વારા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ધિરાણની રકમ રૂ. 8 લાખથી વધારી રૂ. 25 લાખ કરી આપવામાં આવી છે. આ ઉપરાંત સબસિડીની રકમ જે અત્યાર સુધી રૂ. 1.65 લાખ હતી તે પણ બમણાં કરતાં વધુ એટલે કે, રૂ. 3.75 લાખ કરી આપવામાં આવી છે, એવી જાહેરાત ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવી છે.
આ સાથે તેમણે જણાવ્યું કે, સ્થાનિક ઉત્પાદનો વેચાણ કરવા માટે સુરતમાં રૂ. 280 કરોડના ખર્ચે જે રીતે PM એકતા મોલ તૈયાર થઈ રહ્યો છે, તેવા એકતા મોલ વડોદરા અને રાજકોટમાં પણ બનાવવામાં આવશે, એમ આ જાહેરાતમાં ઉમેરવામાં આવ્યું છે. હાથશાળ અને હસ્તકળાના કારીગરોને અપાતી રૂ 1 લાખની લોનની રકમ રૂ. 3 લાખ કરી આપવામાં આવી.
કુટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર, કૌશલ્ય વિકાસ, તાલીમ, એક જિલ્લો એક વિશિષ્ટ ઉત્પાદન, કારીગરોને રહેવા માટે ડોરમેટરી, 7,000 કારીગરો-ઉદ્યોગોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર લઈ જવામાં આવશે, 2,500 કારીગરોને નિકાસ વધારવા પ્રોત્સાહન અને બોર્ડ-નિગમ તથા સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા કારીગરોના ઉત્પાદનોનું વેચાણ આગામી પાંચ વર્ષ દરમિયાન રૂ. 1,500 કરોડનું કરવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.