Mysamachar.in-જામનગર:રવિ બુદ્ધદેવ
જામનગર કોર્પોરેશનમા ચુંટાયેલા પ્રજા પ્રતિનિધીઓની આવતા વર્ષે ટર્મ પૂર્ણ થઇ રહી હોય અત્યારથી ગતિવિધીઓ ઉચ્ચકક્ષાએ શરૂ થઇ ગઇ હોવાના સંકેત મળે છે ત્યારે નાગરીકો પણ તાજેતરમાં બારીકાઇથી નગરસેવકોની કામગીરીની સમીક્ષાઓ અને તુલનાઓ કરી રહ્યા છે એટલુ જ નહી આવી નિષ્ક્રીયતા સરેઆમ ખુલ્લી પાડવા માંડ્યા છે ત્યારે થયુ છે એવુ કે દરેક વોર્ડના મળી અનેક કોર્પોરેટરોએ કાયમી લોકસંપર્ક ન જાળવ્યો હોય અમુક કોન્ટ્રાક્ટર બની ગયા હોઇ અમુક ધંધામાં સ્લીપીંગ પાર્ટનર બની ગયા હોઇ (સ્લીપીંગ શબ્દના અર્થ ઘણા થાય છે આમ તો ખાનગીમાં ભાગીદાર એમ કહેવુ જોઇએ પણ મોટે ભાગે સ્લીપીંગ શબ્દ ચર્ચામાં વધુ છે તેનુ કારણ તો કોને ખબર? ) નાગરીકો ખફા છે વળી અમુક નગરસેવકો પોતે સામેથી નાગરીકોને મળવા ન જાય પરંતુ નાગરીકોને કામ હોય મળવુ હોય ત્યારે પણ મહામુસીબતે મળે તેવુ બનતુ રહ્યાનુ નાગરીકો જણાવે છે,
વળી અમુક તો એવા નગરસેવકો રહ્યા જે પોતાના વિસ્તારના બદલે બીજા વિસ્તારમા વધુ ફર્યા અને પોતાનો તો પુરેપુરો વિસ્તાર ચુંટણી બાદ જોવા પણ નથી ગયા ત્યારે લોકોના પ્રશ્નો જાણ્યા જ ન હોય અને જાણે નહી તો ઉકેલ કેમ લાવી શકે? આવા સવાલો સ્વાભાવિક છે પરંતુ આ વખતે નવી ઉપાદી આવી છે કે જેમ બીજા જિલ્લાઓમાં અમુક ઘરના જ ઉઘાડા કરે છે તેવુ તો હાલારમાં નહી થાય ને? જુથબંધી ઉઘાડી નહી પડે ને? કોક કોકની અંગત સાવ અંગત બાબતો ગાજશે નહી ને? નગરસેવકો જે જે વિસ્તારમાં નહી જતા હોય તેની સામે મોરચા માંડશે તો નહી ને? સોશ્યલ મીડીયામાં અમુક કોર્પોરેટરો ઉઘાડા નહી પડે ને? ચોવીસેય કલાક પ્રજા માટે બંધાયેલા કોર્પોરેટરોમાંથી અમુક દિવસેય વિસ્તારોમાં દેખાતા નથી તે અંગે નાગરીકો સરેઆમ ચીરહરણ તો નહી કરે ને?? અમુક અમુકની કુટેવો,પોતાનો વિકાસ કરવાની જ (અ)નિતી….વગેરે વગેરે ઘણુ ઘણુ સોશ્યલ મીડીયામાં સતત આવતુ તો નહી રહે ને??…….
આમ આ વખતે આ નવી ઉપાધીઓ આવશે તો શાસકપક્ષ નવા ચહેરા ગોતશે તો જુના બહુ કપાશે અને હવે કદાચ સક્રિય થાય તો ય “હોજ સે ગઇ બુંદ સે નહી આતી”ની જેમ પ્રજા સમજુ હોઇ ગેરમાર્ગે દોરી નહી જ શકાય અને અમુક ખાનગી રીપોર્ટ મુજબ અમુક પ્રજાજનોએ મન બનાવી લીધુ છે કે કામ ન કરનારા, કોન્ટ્રાક્ટર બની બેઠેલા, કટકી લઇ નબળા કામ કરાવનારા, પોતાના ફોટોસેશનમાં પડ્યા પાથર્યા રહેવા વાળા, (નેતાઓના ઘણા પ્રકારના ફોટો સેશન હોય છે જેમ કે “સ્વચ્છતા” નાટકમાં ક્લીક પડે ત્યા સુધી સાવરણો પકડે એ ય ચોખ્ખા રોડ ઉપર પછી સાવરણાનો ઘા…) પ્રજા રાહ જોતી હોય તેની ગંભીરતા લીધા વગર દર વરસે દહાડે કઇક કરીને ચમકતા રહેનારા….સહિત અનેક પ્રકારના નગરસેવકો અને તેનું ચોક્કસ વર્તુળ જે કોર્પોરેટરના લાભ લઇ “વાડ વાંસે વેલો”બન્યા છે, તાવડામાંથી તાંસળીયે આવ્યા છે તેવા બધાને આ વખતે પ્રજા ઉઘાડા પડનાર હોય રાજકીય હલચલ જામનગરમાં વધી છે અને કાર્યક્રમોમાં સ્ટેજ પર બેસવાની હોડ લગાવતા અને રીસામણા મનામણા કરતા આ અમુક રંગ બદલનારાઓને પ્રજા સોશ્યલ મીડીયામાં ઉઘાડા પાડશે જ તેમ સુત્રો કહે છે અને રાજકીય પક્ષ પણ ટ્રેક રેકર્ડ રાખે જ એટલે મોકે ઘા કરી અમુકને લાત મારશે તેમ અમુક જનસમુદાયમાં ચર્ચા સાંભળવા મળી છે,
કેમકે અમુક નાગરીકોની તો એવી હાલાકી હોય છે સામાન્ય દાખલા લેવા પણ લોકો કોર્પોરેશનમાં ટલ્લે ચડતા જોવા મળતા રહ્યા હા અમુક કોર્પોરેટરો દાખલા આપવામા નિયમિત સક્રિય રહ્યા તેટલુ આશ્વાસન રહ્યુ હતુ એકંદર ઓનલાઇને પણ પાળ કાઢી હોઇ “પોતાના” સાચવવાના સરકારના આ ખેલ અમુક કિસ્સામાં જનપ્રતિનિધીઓને શરમાતા પણ કરે છે, ઉલ્લેખનીય છે અમુક કોર્પોરેટરોનો તેમના વિસ્તારમા જવાનો નિયમિત ક્રમ રહ્યો છે પોતાની ઓફીસમા લોકોને મળવાનુ આયોજન, તે અંગે ઉપર કે લગતને વ્યવસ્થિત રજુઆતો કરે અને પ્રજાના કામ કરી લોકપ્રિયતા મેળવી અને જાળવી તેવા ઉદાહરણો પણ છે જેઓએ પ્રજા પ્રતિનિધી તરીકે સફળ રહ્યા આવા સફળ નગરસેવકોમાં શાસક અને વિપક્ષના ભાઇઓ અને બહેનો કોર્પોરેટરોનો સમાવેશ થાય છે
પરંતુ એ સિવાય મોટેભાગે એ ફરીયાદ છે કે કેટલાય વિસ્તારના અમુક સ્થાનિકોએ પાંચ -પાંચ વર્ષમાં કોર્પોરેટરોને જોયા ન હોય અને તેનું નામ શું છે તે ખબર નથી તેવુ વરસોથી જોવા મળે છે અને દેખીતુ છે જે પ્રજા માટે ચુંટાયા તેમને વખતો વખત મુલાકાત ન આપે તો લોકો ઓળખે પણ કેવી રીતે? તે સવાલ અસ્થાને નથી જ અમુક વિસ્તારના લોકોએ કહ્યુ કે નગરસેવકો કે ઉમેદવારો માત્ર ચુંટણી સમયે જ આવે છે અને અમુક નાગરીકોનો સારો ફીડબેક એ પણ મળ્યો કે અમુક નગરસેવકો અમુક પદાધીકારીઓ ખુબ સક્રિય રહ્યા અને મુલાકાત પણ આપતા રહ્યા અને લોકોના કામ પણ કરતા રહ્યા છે,
બાકી કેટલા નગરસેવકો ચુંટણી પછી પોતાના વિસ્તારોમા ફર્યા?? કેટલાની રજુઆતો સફળ થઇ?? કેટલા કામ કરાવી શક્યા?? એ તમામ બાબતો મતદારો જાણે જ છે જેનાથી જ આગામી ચુંટણીમા લેખાજોખા થશે તે સ્વાભાવિક છે અને ચુંટણી પહેલા સોશ્યલ મીડીયામાં પ્રજા માટે નીષ્ક્રીય અને પોતાના માટે ખૂબ સક્રીય નગરસેવકો ખુલ્લા પડે તો નવાઇ નહી કેમકે ટેકનોલોજીનો યુગ સરકાર લાવી છે પ્રજા માટે તો પ્રજા સદઉપયોગ કરે જ ને અને ભરપૂર ઉપયોગ પણ કરે જ ને?
-જો થઇ છે….
અમુકને સતા વગર પદ વગર ન સોરવે કેમકે પછી કોઇ બોલાવે નહી અને (વર્તમાનમાં ય નેતાઓ ક્યાંય સ્ટેજ ઉપર સમાય નહી તેવો રાફડો ફાટ્યો હોય તો સ્ટેજ ઉપર વધુ ને સામે ઓછા હોય તેવા આ “વિકસીત ભારત”માં પુર્વને કોણ પુછે? )કાર્યક્રમમાય ન બોલાવે , ફોટા ય ન પડાવે, માન અને મલાઇ પણ ન મળે, ખોવાય જાય…… વગેરે વગેરે તેવા અમુક નગરસેવકો કલ્પના કરતા ય ધ્રુજે છે કે કોઇ કારણસર હવેની આવતી ટર્મમાં પોતે નગર સેવક નહી હોય તો?ને બીજા ને ચુંટાવી દેવા જ નકરો ઢસરડો કરવો પડશે તો??કેમકે સોશ્યલમીડીયાનું શસ્ર જામનગરના નાગરીકોને હાથવગુ જ છે ધડાધડ કચ્ચા ચીઠા ખુલશે ને “આપણે” ઉઘાડા પડીશુ તો? એ ચિંતા અમુકમાં સેવાઇ રહી છે….!!