Mysamachar.in-જામનગર:
2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર જિલ્લાનું વિભાજન કર્યું અને દેવભૂમિ દ્વારકા જિલ્લો કોતરી કાઢ્યો. જેની પાછળ મુખ્ય હેતુ એવો હતો કે, વહીવટી બાબતોમાં સરળતા રહે, કામગીરીઓમાં ગતિશીલતા આવે અને છેક ઓખા કે સૂરજકરાડી જેવા ભૌગોલિક રીતે દૂરના વિસ્તારોના લોકોને પોતાના મહત્વપૂર્ણ કામો માટે છેક જામનગર સુધી લાંબા ન થવું પડે. પાછલાં અગિયાર વર્ષ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે વિવિધ સરકારી વિભાગોની જિલ્લાકક્ષાની કચેરીઓ જામનગરથી ખસેડી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે લઇ જવામાં આવી. આથી જિલ્લામથક ખંભાળિયાનો વિકાસ પણ થયો.
જો કે, આ બધી બાબતોમાં ગુજરાત સરકારની ગતિશીલતા નોંધપાત્ર રહી નથી, દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ બન્યા બાદ પણ ઘણાં સરકારી વિભાગોને ઘણાં વર્ષો સુધી જામનગર જ રાખવામાં આવેલાં, જે અનેક રજૂઆતો બાદ ખંભાળિયા સ્થળાંતરિત કરવામાં આવ્યા. કલેક્ટર કચેરી, માર્ગ મકાન વિભાગ, ખાણખનિજ વિભાગ, પોલીસ વિભાગ સહિતની કેટલીક જિલ્લાકક્ષાની કચેરીઓ ખંભાળિયા કાર્યરત થઈ ગઈ પરંતુ હજુ પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીજતંત્રને વિભાજિત કરવામાં આવ્યું નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીજતંત્રને હજુ સુધી જામનગરમાં જ સમાવિષ્ટ રાખવામાં આવ્યું હોય, સમગ્ર PGVCL માં આજની તારીખે વીજતંત્રનું સૌથી મોટું સર્કલ જામનગર સર્કલ છે. જેને કારણે જામનગર વીજતંત્ર સર્કલ સક્ષમ રીતે કામ કરી શકતું નથી. જોડિયાની પેલે પારના આમરણથી માંડીને દ્વારકાના ઓખામંડળ સુધી જામનગર વીજતંત્રએ લાંબા થવું પડતું હોય, જામનગર વીજકચેરી ભારે વર્કલોડ અનુભવે છે. બીજી તરફ ખેતીવાડી વીજજોડાણ સહિતના દ્વારકા જિલ્લાના અનેક પેચીદાં પ્રશ્નો, નીતિ વિષયક નિર્ણયોની બાબતોમાં તથા વીજતંત્ર સંબંધિત વિવાદો સબબ હજારો લોકોએ, આજે અગિયાર અગિયાર વર્ષ બાદ પણ છેક જામનગર વીજતંત્ર સુધી લાંબા થવું પડે છે. આ ઉપરાંત જામનગર અને દ્વારકા જિલ્લાઓ દરિયાઈ પટ્ટી ધરાવતાં હોય, જામનગર વીજતંત્ર પર કામો અને સમારકામોનું ભારે દબાણ રહે છે.
સુત્રો કહે છે કે જામનગર વીજતંત્રએ આ સમસ્યાઓ નિવારવા ઘણી વખત PGVCL ની રાજકોટ સ્થિત કોર્પોરેટ કચેરી અને ગાંધીનગર ખાતે રજૂઆતો કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીજતંત્રને જામનગરથી અલગ કરી આપવા દરખાસ્તો કરેલી છે જ, પરંતુ આ બાબતમાં બંને જિલ્લાઓની નેતાગીરી ગતિશીલ ન હોવાની સ્થિતિઓને કારણે, અને સરકાર પણ ગતિશીલ સાબિત ન થઈ હોવાને કારણે, આજે અગિયાર અગિયાર વર્ષથી આ ગાડું આમ જ ગબડી રહ્યું છે. આ ઉપરાંત ટ્રસ્ટો માટેની કચેરી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાને આટલાં વર્ષો બાદ પણ અલગ આપવામાં આવી ન હોય, આ પ્રકારના અલગઅલગ વિભાગોના કામો સંબંધે લાખો લોકોને દ્વારકા જિલ્લામાંથી છેક જામનગર લાંબા થવું પડે છે. અગિયાર વર્ષ અગાઉ જે ગતિશીલતાની જે અપેક્ષાઓ હતી તે આજે પણ વીજતંત્ર સહિતના કેટલાંક વિભાગોમાં જોવા મળતી નથી, લોકોને અપેક્ષાઓ એ છે કે, આ પ્રકારના નિર્ણયો બાબતે રાજ્ય સરકાર ગતિશીલતાના દર્શન કરાવે.