Mysamachar.in-જામનગર:
જામનગરના શેડ્યૂલ્ડ કાસ્ટ એડવોકેટ એસોસિએશને જામનગર પોલીસની કાર્યપદ્ધતિઓ અંગે આકરી ટીકાઓ કરી છે, ચોક્કસ પ્રકારના ગુનાઓમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરવાનું ટાળે છે અને આરોપીઓને માત્ર નોટિસ જ આપવામાં આવે છે. આ મતલબની લાગણીઓ એસોસિએશને વ્યક્ત કરી છે અને આ લેખિત રજૂઆત જામનગર પોલીસ વડાની કચેરીમાં આપવામાં આવી છે, જેમાં ખુદ પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આઠેક દિવસ અગાઉ પણ આ પ્રકારની લેખિત રજૂઆત થયેલી.
શેડ્યૂલ્ડ કાસ્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ કિરણ બગડા, ઉપપ્રમુખ પરબત મકવાણા અને મંત્રી રમેશ ચૌહાણની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ ભવનને આપેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, જામનગર શહેર અને જિલ્લામાં આશરે 4-5 મહિનાઓથી SC/ST એક્ટ-1989 હેઠળના, 7 વર્ષ સુધીની સજાને પાત્ર એવા ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી. આ બાબતમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, આરોપીઓને માત્ર નોટિસ આપવામાં આવે છે. આરોપીઓ સાથે ભળી જઈ આરોપીઓને જવા દેવામાં આવે છે, ધરપકડ કરવામાં આવતી નથી, આથી આવા ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. આરોપીઓને કાયદાનો કોઈ ડર રહેતો નથી.
પોલીસને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે, આ સંબંધે 2014માં સુપ્રીમ કોર્ટે આપેલો એક ચુકાદો જામનગર પોલીસને 10 વર્ષે અચાનક કેમ યાદ આવ્યો ? અત્યાર સુધી આ પ્રકારના કેસમાં ધરપકડો થતી, જે અચાનક બંધ શા માટે કરી દેવામાં આવી ? આ પ્રકારની સજાઓ ધરાવતાં અન્ય ગુનાઓમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરે જ છે, તો પછી SC-ST એક્ટ સંબંધિત આ પ્રકારની સજાવાળા ગુનાઓમાં આરોપીઓની ધરપકડ શા માટે નહીં ?
આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, છેડતી- પોકસો- NDPC અને પ્રિવેન્શન ઓફ કરપ્શન જેવા કેટલાંક ગુનાઓમાં સજાની જોગવાઈ સાત વર્ષ કે તેથી ઓછી હોય છે, આવા ગુનાઓમાં આરોપીઓને નોટિસ આપવામાં આવતી નથી, સીધી ધરપકડ થતી હોય છે અને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે. તો SC-ST એક્ટ હેઠળના ગુનાઓમાં જ આરોપીઓને શા માટે નોટિસ આપવામાં આવે છે ? નોટિસ આપી આરોપીઓને જવા દેવામાં આવે છે.
આ રજૂઆતમાં 4 ગુનાઓ, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક સંબંધિત, શેઠવડાળા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ, મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ તથા લાલપુરના પોલીસ સ્ટેશનમાં પીપળી ગામના બનાવના અનુસંધાને તાજેતરમાં દાખલ થયેલી ફરિયાદોના ઉદાહરણ આપવામાં આવ્યા છે. આ સાથે જણાવાયું છે કે, SC-ST એક્ટ હેઠળના ગુનાઓના આરોપીઓની ધરપકડ ન કરીને આડકતરી રીતે ગુનેગારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે, રાજ્યની વડી અદાલતે 2023ના એક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટના ઉપરોકત ચુકાદાનું સંપૂર્ણ અર્થઘટન કરી એવું ઠરાવેલ છે કે, સાત વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાના આરોપીને CrPCની કલમ 41(એ) હેઠળની નોટિસ આપવી ફરજિયાત નથી. નોટિસ આપ્યા વગર પણ ચેકલિસ્ટમાં ધરપકડના પૂરતાં કારણો દર્શાવી, ધરપકડ કરી શકાય. આ અર્થઘટન છતાં પણ, માત્ર SC-ST એક્ટ હેઠળના ગુનાઓમાં જ શા માટે આરોપીઓની ધરપકડ ન કરીને છાવરવામાં આવે છે ?
આ ઉપરાંત આ રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે, આ પ્રકારની ધરપકડ સંબંધે અધિક પોલીસ મહાનિર્દેશક નો પરિપત્ર પણ છે જ. અને જો કોઈ પોલીસ અમલદાર તેની ફરજ પ્રત્યે બેદરકાર જણાય તો તેની વિરુદ્ધ પણ SC-ST એક્ટની કલમ-4 અન્વયે કાર્યવાહીનો નિર્દેશ રાખેલો છે. છતાં પણ સ્થાનિક લેવલે આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી, કાયદાના ખોટાં અર્થઘટનો કરી, આવા ગુનાઓના આરોપીઓને છાવરવામાં આવે છે. ઘણાં બનાવોની FIR માં હળવી કલમો દાખલ કરવામાં આવે છે. ઘણાં કેસોમાં ફરિયાદી કે સાક્ષીઓને પણ જેતે લગત પોલીસ દ્વારા ધમકાવવામાં આવે છે અને ઘણાં કિસ્સાઓમાં ફરિયાદ જ રજિસ્ટર્ડ કરવામાં આવતી નથી. રજૂઆતમાં અંતે જણાવાયું છે કે, સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે અન્યથા આ માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.