Mysamachar.in-જામનગર:
જામનગર-કાલાવડ રોડ પર વધુ એક ઘાતક અકસ્માત સર્જાયો છે જેમાં સાળા-બનેવી એવા બે વ્યકિતઓનો ભોગ લેવાયો છે, અકસ્માત સર્જનાર ઈકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. આ અકસ્માત ગઈકાલે સોમવારે બપોરના સમયે બન્યો હતો જેની નોંધ મોડી સાંજે પોલીસમાં દાખલ કરવામાં આવી છે.
આ ફરિયાદના ફરિયાદી કાલાવડના દિનેશભાઈ રણછોડભાઈ સોંડાગર (62)એ, જામનગરના પંચ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાઈ ભુદરજીભાઈના પુત્ર લક્ષ્મીકાંતભાઈ(41) તથા લક્ષ્મીકાંતભાઈના બનેવી રાજેશભાઈ ગંગાજળીયા(45) મોટરસાયકલ નંબર GJ 10 CH 7483 પર કાલાવડથી જામનગર જઈ રહ્યા હતાં ત્યારે સોમવારે બપોરે ચારેક વાગ્યા આસપાસ, કાલાવડ રોડ પર IOC પમ્પિંગ સ્ટેશન નજીક ઈકો કાર નંબર GJ 10 DG 7235ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ગતિમાં ચલાવી, લક્ષ્મીકાંતભાઈના મોટરસાયકલને જોરદાર ટક્કર લગાવી હતી. આથી બંને મોટરસાયકલસવારને માથાં સહિતના શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પરિણામે આ બંને ઈજાગ્રસ્તોના મોત નીપજયા છે.
આ અકસ્માતમાં ઈજાઓ પામેલાં આ સાળા-બનેવીને તાકીદની સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ ઈજાઓ ખૂબ જ ગંભીર હોય, સારવાર કારગત નીવડે એ પહેલાં જ બંનેના મોત નીપજયા હતાં. અકસ્માત સર્જનાર ઈકો કારના ચાલકની પોલીસે શોધખોળ આદરી છે.