Mysamachar.in: ગુજરાત
સરકાર સાથે સંબંધિત ઘણી બધી બાબતો એવી હોય છે, જેનો દુરુપયોગ સાયબર ગઠિયાઓ કરી લેતાં હોય છે, અને તેની મદદથી નાગરિકો સાથે છેતરપિંડીઓ પણ થતી હોય છે. છેતરપિંડીઓ ટાળવા અને સરકારના IT નેટવર્કિંગને સલામત રાખવા તથા સાયબર એટેકથી બચાવવા રાજ્ય સરકારે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનું પાલન દરેક સરકારી વિભાગે તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કરવાનું રહેશે.
છેલ્લા ઘણાં સમયથી સરકારી સંસ્થાઓ પર અવારનવાર સાયબર એટેક થઈ રહ્યા છે. આ ઉપરાંત સરકારી આઈટી નેટવર્કિંગ સાઈટ્સ પરથી નાગરિકોની આધારનંબર સહિતની સંવેદનશીલ વિગતો પણ લીક થઈ રહી છે. આ બધાં જ ભયસ્થાનો ટાળવા સરકારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સાવધ કર્યા છે અને આવશ્યક સલાહો આપી છે.
સરકારે કહ્યું છે: સરકારનું મહત્તમ કામકાજ ઓનલાઈન થઈ રહ્યું છે ત્યારે વિભાગોએ સાવધ રહેવું પડશે. મોબાઇલ ફોનના ઉપયોગમાં પણ વિશ્વસનીય સ્ત્રોતનો જ ઉપયોગ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજિ વિભાગે આ કડક ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ આઈટી નેટવર્કિંગ સાઈટ્સ, ડેટા તથા સિસ્ટમને અસર કરે તેવી બાબતોમાં વધુ સાવધાની દાખવવાની રહેશે.

તમામ વિભાગોની કચેરીઓની કોમ્પ્યુટર સિસ્ટમમાં કામગીરીઓ માટે જરૂરી હોય તે જ એપ્લિકેશન અને સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા. આ ઉપરાંત કચેરીઓમાં એન્ટીવાયરસ ક્લાયન્ટ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા અને તેને સતત અપડેટેડ રાખવા. પ્રતિબંધિત કે સંવેદનશીલ માહિતીઓ ધરાવતાં પ્રિન્ટ આઉટ મેળવી લીધાં બાદ પ્રિન્ટરમાંથી આ વિગતો દૂર કરી દેવી. કચેરીઓના આંતરિક દસ્તાવેજો સ્કેન કરવા કોઈ પણ બાહ્ય મોબાઇલ એપ્લિકેશન આધારિત કેમ સ્કેનરનો ઉપયોગ ન કરવો. મહત્વપૂર્ણ ડેટાનો ઓફલાઈન બેકઅપ રાખવો. કોઈ પણ થર્ડ પાર્ટીની અજ્ઞાત સેવાનો ઉપયોગ કરવો નહીં. મોબાઇલ ફોન પર વાઈફાઈ, જીપીએસ, બ્લુટ્રુથ, NFC અને અન્ય સેન્સર્સ ડીસેબલ રાખવા અને જરૂરિયાત હોય ત્યારે જ એનેબલ કરવા. ફાઈલ શેરીંગ જેવી બાબતોમાં અજાણી રિકવેસ્ટ સ્વીકારવી નહીં. MEIનો નંબર નોંધી રાખવો. આંતરિક સરકારી દસ્તાવેજ કે જાહેર જનતા માટે ન હોય તેવી માહિતીઓ અને વિગતો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શેર કરવી નહીં. સત્તાવાર ઈ-મેઈલ એડ્રેસ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર આપવું નહીં. નાગરિકોના આધારકાર્ડ નંબરનો ઉપયોગ સંભાળીને કરવો. લીક ન થાય તેનું ધ્યાન રાખવું.
