Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં ભરતીઓ, શાખા બદલીઓ અને બઢતીઓ જેવી બાબતોમાં ઘણાં પ્રકારની અનિયમિતતાઓ ચાલતી રહેતી હોવાની વિગતો કર્મચારીગણમાં કાયમ ચર્ચાઓમાં રહેતી હોય છે. હાલમાં પણ મહાનગરપાલિકામાં કરાર આધારિત ભરતીઓ વાળા કર્મચારીઓ પર ધ્યાન આપવાના બદલે આઉટસોર્સ કર્મીઓની ભરતીઓમાં સૌનું વધુ ફોકસ હોવાનું બહાર આવી રહ્યું છે. અને આવા આઉટસોર્સિંગથી લાગતા વળગતા લોકોને પરિવારના છોકરા છોકરીઓને ઘુસાડી દેવાનું સુવ્યવસ્થિત ષડ્યંત્ર જાહેર થઇ ચુક્યું છે.જેમાં કેટલાક પંકાયેલા અધિકારીઓ કર્મચારીઓના પરિવારજનો પણ લાભ લે છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા પ્રમાણે, મહાનગરપાલિકાએ પોતાની કામો કરવાની પદ્ધતિઓમાં એકસૂત્રતા લાવવા તમામ શાખાઓમાં કરાર આધારિત કર્મીઓની ન્યાય મળે તે દિશામાં પ્રયાસો કરવા જોઈએ, આ કર્મીઓને નિયમિત વેતન મળે, સમયાંતરે વેતનવધારો મળે, આ કર્મીઓ અમુક સમય ફરજો બજાવ્યા બાદ કેવી રીતે કાયમી થઈ શકે, એમના અનુભવનો મહાનગરપાલિકાને કેવી રીતે ફાયદો મળી શકે, નગરજનોના કામોમાં આ સ્ટાફની મદદથી કેવી રીતે સરળતાઓ સર્જી શકાય- વગેરે બાબતો પર ધ્યાન આપવામાં આવે તો, કરાર આધારિત કર્મીઓના હિતોનું રક્ષણ થઈ શકે.
તેને બદલે જામનગર મહાનગરપાલિકામાં આઉટસોર્સ કર્મીઓની સંખ્યા વધતી જાય છે, જેને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થઈ રહી છે, આઉટસોર્સથી લેવાતા કર્મચારીઓ ગમે ત્યારે કોઈપણ કળા કરીને આબાદ છટકી શકે છે, મહાનગરપાલિકાના વહીવટમાં આઉટસોર્સ માટેની એજન્સીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે, આ એજન્સીઓ અને ચોક્કસ અધિકારીઓ તથા પદાધિકારીઓ વચ્ચેની નજદીકી વધી રહી છે. આ એજન્સીઓના આઉટસોર્સ કર્મીઓની કામ અંગેની આવડત અને અનુભવ હંમેશા ચર્ચાઓમાં રહે છે. આ કર્મીઓનું આર્થિક શોષણ થતું હોવાની ફરિયાદો પણ અવારનવાર ઉઠતી રહે છે, આ કર્મીઓ શાંતિથી ફરજો બજાવી શકતા ન હોય મહાનગરપાલિકાની કામગીરીઓમાં પણ વારંવાર વિઘ્નો અને તકલીફો, ભૂલો તથા ખામીઓ બહાર આવતી હોય છે. આ પ્રકારની ગોબાચારીઓ ટાળવા મહાનગરપાલિકાએ કરાર આધારિત કર્મીઓ પાસેથી વધુ સારી રીતે અને વધુ કામ કેવી રીતે લઈ શકાય, વગેરે બાબતો પર ધ્યાન આપી મહાનગરપાલિકાનું તંત્ર સુચારૂ રીતે ચાલી શકે તે માટેની પદ્ધતિઓ અખત્યાર કરવી જોઈએ, એવી લાગણીઓ વ્યક્ત થતી જોવા મળી રહી છે.