Mysamachar.in-
મોબાઇલ અતિ ઉપયોગી ટેકનોલોજી છે. જો તેનો વિવેકથી ઉપયોગ કરવામાં ન આવે તો, આ ટેકનોલોજિ- આ સાધન મોતનું દૂત સાબિત થઈ શકે છે. ઘણાં કિસ્સાઓમાં મોબાઇલ મોતનું કારણ સાબિત થઈ રહ્યો છે. કેમ કે, મોબાઇલ પર હજારો પ્રકારના દૂષણો મૌજૂદ છે. ટીન એજર છોકરા છોકરીઓથી માંડીને યુવક યુવતિઓ અને પાકટ વયના પુરુષ અને મહિલાઓ પણ- મોબાઇલના માધ્યમથી ફસાઈ રહ્યા છે, રવાડે ચડી રહ્યા છે અને ઘણાં કિસ્સાઓમાં આવા લોકોના કમોત પણ થઈ રહ્યા છે. સમાજ સમક્ષ હાલમાં આ સ્થિતિઓ, એક મોટા પડકાર સમાન છે. આ વિષયમાં સલાહો અને શિખામણો પણ નાકામ પૂરવાર થઈ રહી છે. બરબાદીનું પ્રમાણ વધી રહ્યું છે. આવો વધુ એક ચેતવણીરૂપ અને ઘાતક કિસ્સો બહાર આવ્યો છે.
રાજકોટમાં નાગેશ્વર જૈન દેરાસર નજીક એક બિહારી પરિવાર વસવાટ કરે છે. પરિવારનો મોભી રાજકોટ-અમદાવાદ રોડ પર એક ખાનગી કંપનીમાં અધિકારી છે. તેનો ક્રિષ્ના પંડિત નામનો પુત્ર કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ યુવકે પ્રથમ ફિનાઈલ પીધું અને પછી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી. આ યુવકે આપઘાત કરતાં પહેલાં એક સુસાઈડ નોટ લખેલી, જે જાહેર થઈ છે.
આ સુસાઈડ નોટમાં કહેવાયું છે કે, હું આપઘાત કરવા જઈ રહ્યો છું, કેમ કે મેં મારાં તમામ પૈસા ગુમાવી દીધાં છે. મોબાઇલ પર ઓનલાઈન ગેમિંગ જૂગાર રમવામાં હું મારી જાતને રોકી શક્યો નહીં. જેના કારણે હું આપઘાત કરી રહ્યો છું. સોરી મમ્મી પાપા, હું દિલ અને દિમાગથી કમજોર થઈ ગયો છું. મને નથી લાગતું કે, હું હવે જીવનમાં કંઈ પણ કરી શકીશ. એટલાં માટે મેં નિર્ણય લીધો છે કે, હું આખી જિંદગી મરતો રહું એના કરતાં એક વખત મરી જાઉં. મને મારાં મિત્રોએ પણ આ ઓનલાઈન બેટિંગ અંગે સમજાવ્યો હતો પણ હું સમજયો નહીં. મને માફ કરી દેજો.
આ સુસાઈડ નોટમાં વધુમાં લખાયું છે: મારી આત્મહત્યા પાછળ કોઈની નહીં, મારી જ ભૂલ જવાબદાર છે. જૂગાર ખૂબ જ ખરાબ અને ખતરનાક બિમારી છે, જે આ પ્રકારે જીવ પણ લઈ શકે છે. હું મારી આત્મહત્યાથી આ જ મેસેજ આપવા માંગુ છું કે, જૂગારથી છોકરાઓને બચાવો. મિત્ર પ્રિયાંશ પાસે મારી આખરી ઈચ્છા એ જ છે કે, તું કંઈક એવું કર કે જેનાથી જૂગાર બંધ થઈ જાય.