Mysamachar.in-રાજકોટ:
‘વિકાસ’ નામનો શબ્દ તમારાં ખિસ્સામાં રહેલાં નાણાં સાથે કનેકટેડ છે- કમસેકમ રાજકોટ-અમદાવાદ સિકસલેન ધોરીમાર્ગ પૂરતું આ વાક્ય સાચું છે, સાચું સાબિત થવા જઈ રહ્યું છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રને અમદાવાદ-ગુજરાત સાથે જોડતાં, રાજ્યના સૌથી બિઝી ધોરીમાર્ગ રાજકોટ-અમદાવાદ સિકસલેન રોડ પર, માત્ર 201 કિમીમાં 4-4 ટોલનાકા ઉભા કરી ‘ઉઘાડી લૂંટ’ માટેની વ્યવસ્થાઓ ગુજરાત સરકારે કરી લીધી છે. તમારે આ સિક્સલેન રોડ પર ડ્રાઇવની મજા માણવી હોય તો, તમારે પુષ્કળ નાણું ચૂકવવા તૈયાર રહેવું પડશે- આ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે.
રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ આમ તો નેશનલ હાઈવે છે, એટલે તેનું નિર્માણ અને નિભાવ-જાળવણી નેશનલ ઓથોરિટીએ કરવાની હોય પરંતુ કોઈ રહસ્યમય કારણોસર આ સિક્સલેન રોડ બનાવવા કેન્દ્ર સરકારને બદલે ગુજરાત સરકારે રૂ. 3,350 કરોડનો ખર્ચ કર્યો. જો કે અત્રે ઉલ્લેખનિય છે કે, આ રોડ વિલંબ- હાલાકીઓ અને ભ્રષ્ટાચાર તથા અકસ્માત મોત મુદ્દે પણ કુખ્યાત છે, કલંકિત છે.
આ 201 કિમી ના રોડ પર હાલ બામણબોર અને બગોદરા એમ બે જગ્યાએ ટોલનાકા છે. આ રોડ પરના હાલના બંને ટોલનાકા બંધ થશે. અન્ય ચાર જગ્યાએ ટોલનાકા બનશે. જે પૈકી ત્રણનું તો બાંધકામ પૂર્ણ થવાની તૈયારીઓ છે, ચોથું ટોલનાકું થોડા સમયમાં બની જશે, પછી તમારૂં ખિસ્સુ ખંખેરવામાં આવશે. નેશનલ હાઈવે પર બે ટોલનાકા વચ્ચે ઓછામાં ઓછું અંતર 60 કિમી હોવું જોઈએ. સરકારના આ નિયમનો ખુદ સરકાર ઉલાળિયો કરશે. તમે કશું કરી શકશો નહીં.
રાજકોટ-અમદાવાદ સિક્સલેન રોડ પર એક ટોલનાકું ભાયલા ગામ પાસે, બીજું ટોલનાકું ટોકરાળા ગામ પાસે બનાવવામાં આવ્યું છે. ત્રીજું ટોલનાકું ઢેઢુંકી ગામ પાસે અને ચોથું ટોલનાકું માલિયાસણ ગામ પાસે બની રહ્યું છે. રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા આ ચારેય ટોલનાકા માટે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. આ ટોલનાકાઓ પર ક્યા વાહનો પાસેથી ટોલ લેવામાં આવશે, ક્યા વાહનોને મુક્તિ આપવામાં આવશે, ક્યા વાહન પાસેથી કેટલો ટોલ લેવામાં આવશે- વગેરે બાબતો હવે નક્કી થશે.