Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના આરોગ્ય વિભાગમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાને કારણે લોકોને જે આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ અસરકારક રીતે મળવી જોઈએ તેમાં અનેક પ્રકારની ક્ષતિઓ ઉભી થતી હોય, આ ખામીઓ દૂર કરવા અને આરોગ્યતંત્રને સુદ્રઢ બનાવવાના આશયથી મોટાપાયે ભરતીઓ થવાની જાહેરાત થઈ છે.
અત્યંત આધારભૂત સૂત્રના હવાલે કહેવામાં આવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં GPSC દ્વારા આરોગ્ય વિભાગમાં નોંધપાત્ર પ્રમાણમાં ભરતીઓ કરવામાં આવશે અને આરોગ્ય સવલતો મજબૂત બનાવવામાં આવશે. આ જાહેરાત અનુસાર રાજ્યના આરોગ્ય વિભાગમાં 2,000 કરતાં વધુ પદો માટે આગામી ટૂંક સમયમાં ભરતીઓ થશે.

ભરતીઓની આ જાહેરાતમાં કહેવાયું છે કે, આરોગ્ય વિભાગમાં વર્ગ-2 ના તબીબી અધિકારીઓની 1,506 જગ્યાઓ પર નિમણૂંક થશે. આ સાથે જનરલ સર્જનની 200 જગ્યાઓ પર ભરતીઓ થશે. વિશેષ ફિઝિશયન સર્જનની 227 જગ્યાઓ પર ભરતીઓ થશે. આ ઉપરાંત ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ પર ભરતીઓ થશે.

આ સાથે જ 147 વીમા તબીબી અધિકારીઓની પણ ભરતીઓ થશે.સૂત્ર વધુમાં જણાવે છે કે, જે તબીબી વિદ્યાર્થીઓ અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હોય તેઓ પણ આ ભરતીઓમાં ભાગ લઈ શકશે, તેઓના અંતિમ વર્ષના પરિણામને આધારે તેઓ આ જગ્યાઓ પર કાર્યરત રહી શકશે કે કેમ, તેનો નિર્ણય કરવામાં આવશે. ભરતી પ્રક્રિયાઓમાં પ્રથમ વખત આ સુધારો દાખલ કરવામાં આવ્યો છે.
