Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે મેડિકલ જેવી ઉચ્ચ વિદ્યાશાખામાં સારાં ઘરના યુવક યુવતિઓ, શ્રીમંત પરિવારોના સંતાનો અને ભણવામાં અતિ હોંશિયાર છોકરીઓ અને છોકરાઓ પ્રવેશ લેતાં હોય છે, છતાંયે સૌથી કમનસીબ બાબત એ છે કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મેડિકલ કોલેજોમાં રેગિંગની શરમજનક ઘટનાઓ અવારનવાર બનતી રહે છે અને તે પૈકી કેટલીક ઘટનાઓમાં રેગિંગનો ભોગ બનેલ તેજસ્વી યુવક અને યુવતિઓના મોત પણ થાય છે અને રેગિંગને કારણે આપઘાત પણ થતાં હોય છે. આ વિષય અતિ સંવેદનશીલ, ગંભીર અને ચિંતાજનક બાબત છે.
મેડિકલ કોલેજોમાં અને હોસ્ટેલોમાં સિનિયર તબીબી છાત્રો પોતાના જૂનિયર છાત્રો અને છાત્રાઓને રેગિંગ દ્વારા આટલી શરમજનક અને ત્રાસરૂપ સ્થિતિઓમાં શા માટે ધકેલી દે છે- રેગિંગ કરનારાઓ માનસિક રીતે વિકૃત હોય છે ? એમને આ કૃત્યોમાં પિશાચી આનંદ શા માટે મળતો હોય છે ? શું તેઓ અમીર બાપ કી બિગડેલ ઔલાદ હોય છે ? !
મેડિકલ કોલેજોના સેંકડો જૂનિયર છાત્રો પર કોલેજોમાં, હોસ્ટેલમાં અને કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલોમાં- સિનિયરો દ્વારા માનસિક, શારીરિક અને આર્થિક ત્રાસ ગુજારવામાં આવતો હોય એવા ઘણાં કિસ્સાઓ જાહેર પણ થતાં જ રહે છે. ઘણાં બધાં કિસ્સાઓમાં તબીબી છાત્રાઓનું શારીરિક શોષણ પણ થતું હોય છે. ઘણાં ખાનગી મામલાઓમાં મેડિકલ કોલેજના ટીચિંગ સ્ટાફ વિષે પણ ઘણી વાતો થતી રહે છે !!
ટૂંકમાં, અમીરી-શાતિર અને તેજસ્વી દિમાગ-અનિયંત્રિત સ્વતંત્રતાઓ અને દિવસરાત એકાંત માણવાની અનુકૂળ સ્થિતિઓ તથા આ બધી બાબતોને કારણે ખીલેલું યૌવન તથા કેટલાંક કેસોમાં મેડિકલ સંબંધિત ડ્રગ્ઝનો દુરઉપયોગ વગેરે કારણોસર મેડિકલ કોલેજ, હોસ્ટેલ અને કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલોમાં રેગિંગ સહિતના દૂષણો વ્યાપક રૂપમાં જોવા મળી રહ્યા છે. વિજિલન્સ કે રેગ્યુલેટિંગ સિસ્ટમ લંગડાતી ચાલતી રહે છે, તેમાં ‘બિગડેલ ઔલાદ’ને મનમાની કરવાની તકો મળી રહેતી હોય છે અને બેસુમાર દૌલત પણ મામલાઓ દબાવી દેવામાં ભૂમિકાઓ ભજવતી હોય છે, જેને કારણે આ સ્થળો કલંકિત બનતાં રહે છે. અને, આ પ્રકારના દાગીઓ બાદમાં સમાજમાં ડોક્ટર્સ તરીકેની પ્રતિષ્ઠા પણ હાંસલ કરી લેતાં હોય છે ! સમાજશાસ્ત્રીઓ, કેળવણીકારો અને સરકારે સંયુકત રીતે આ આખા વિષયને હાથ પર લેવો આવશ્યક જ નહીં, અનિવાર્ય બની ચૂકયું છે. હાલમાં જ પાટણમાં એક મેડિકલ છાત્રનું આવા કિસ્સામાં મોત થયું- માબાપે એકનો એક ભાવિ કુળદીપક ગુમાવવો પડ્યો.(symbolic image)