Mysamachar.in-ગાંધીનગર:
સૌ જાણે છે કે, રાજ્યમાં આરોગ્ય વિભાગ માફક શિક્ષણ વિભાગમાં પણ લાલિયાવાડીઓ ચાલી રહી છે. જો કે હવે, શાળાઓમાં રમતના મેદાન બાબતે સ્થિતિઓ કડક બની હોવાનું સરકારની જાહેરાત પરથી સમજાઈ રહ્યું છે. આ જાહેરાતનો કડક અમલ થશે તો, લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે. ખાનગી શાળાઓ માટે રમતનું મેદાન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા થયેલી એક જાહેરાત કહે છે: નવી ખાનગી શાળાઓ માટે શહેરી વિસ્તારમાં 800 ચો.મીટર.નું અને ગ્રામ્ય વિસ્તારોમાં 1,200 ચો.મી.નું રમતનું મેદાન ફરજિયાત રહેશે. આગામી શૈક્ષણિક સત્રમાં નવી ખાનગી નોન ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવા તથા પ્રાથમિક શાળાઓમાં ક્રમિક વર્ગવધારા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
નવા નિયમ અનુસાર, ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ની શાળાઓને અલગઅલગ એકમ ગણવામાં આવશે. જેની મંજૂરીઓ માટે અરજીઓ અલગઅલગ કરવાની રહેશે. એક એક અરજીની ફી રૂ. 25,000 રહેશે. ક્રમિક વર્ગવધારા માટે વર્ગદીઠ રૂ. 5,000 ભરવાના રહેશે. આ દરખાસ્ત ફી કોઈ પણ સંજોગોમાં પરત આપવામાં આવતી નથી. RTE ના રૂલ્સ મુજબ નવી શાળાઓની મંજૂરીઓ માટે નક્કી કરવામાં આવેલાં માપદંડ પ્રમાણે જરૂરી મકાન, સ્ટાફ, માળખાકીય સુવિધાઓ અને રમતનું મેદાન ફરજિયાત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે જરૂરી રમતગમતના સાધનો પણ ફરજિયાત કરવામાં આવ્યા છે.
એક મુદ્દો એ છે કે, શહેરી વિસ્તારોમાં કોર્પોરેશન આવી નવી શાળાઓને જે મેદાન ભાડે આપે છે તેનો ભાડાકરાર માત્ર એક જ વર્ષનો હોય છે. બીજી તરફ, શિક્ષણ વિભાગે એવી જાહેરાત કરી છે કે, મેદાનનો ભાડાકરાર 15 વર્ષ માટેનો હોય તો જ શાળાઓ મંજૂરીઓ મેળવી શકશે. આવા મામલાઓમાં છેલ્લે શું થશે, તે પ્રશ્નનો ઉત્તર સમય આપશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી શાળાઓ મેદાન ભાડે કેવી રીતે મેળવી શકે, તે માટેની વ્યવસ્થાઓ હાલ હજુ સુધી ગોઠવાઈ નથી. રમતનું મેદાન શાળાઓએ અન્ય સ્થળે રાખ્યું હોય તો, શાળાઓને રહેણાંક સોસાયટીઓમાં કે મુખ્ય બજારોમાં શાળાઓ શરૂ કરવા મંજૂરીઓ મળે કે કેમ, તેની સ્પષ્ટતાઓ પણ હજુ થઈ નથી.(file image)