Mysamachar.in-રાજકોટ:
દવાખાનાઓ અને હોસ્પિટલોમાં તબીબો તથા સ્ટાફની બેદરકારીઓ હંમેશા ચર્ચાઓમાં રહે છે. આ પ્રકારના બનાવોને કારણે અવારનવાર મોટો ઉહાપોહ પણ મચતો હોય છે. આવા એક બનાવમાં સરકારના આરોગ્યતંત્ર પર માછલાં ધોવાયા બાદ, છબિ સુધારવા સરકારે કસૂરવારો વિરુદ્ધ આકરાં પગલાંઓ ભરવા પડ્યા છે. અચરજની વાત એ છે કે, આ પ્રકારના બેદરકાર સ્ટાફને રાજકોટથી જામનગર અને દ્વારકા તગેડી મૂકવામાં આવ્યો !
મામલો રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલનો છે. આ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફની બેદરકારીઓને કારણે એક મહિલાની પ્રસૂતિ જાહેરમાં થઈ ગઈ હતી ! જેને કારણે સમગ્ર રાજ્યના આરોગ્યતંત્રની કથિત આબરૂને મોટો ધક્કો લાગ્યો હતો. સરકાર વિરુદ્ધ મોટો ઉહાપોહ પણ થયો હતો. આથી સરકારે આ મામલામાં 3 ડોક્ટરને સસ્પેન્ડ કરી દીધાં અને 3 બેદરકાર નર્સની બદલીઓ કરી. જેમાં એક હેડ નર્સ પણ છે. આ કલંકિત સ્ટાફને જામનગર અને દ્વારકા ધકેલવામાં આવ્યો છે.
આ મામલામાં કસૂરવાર રેસિડેન્ટ તબીબો ડો.મૌલિક બુઘરા અને ડો. શિવાંગિની ગરાસિયાને એક ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. અન્ય એક ડોક્ટરને ગાંધીનગરથી સસ્પેન્ડ કરવામાં આવશે, તેનું નામ હવે જાહેર થશે. આ ઉપરાંત હેડ નર્સ કંચન ખીમસૂરિયા તથા નિધિ ચૌહાણની બદલીઓ જામનગર ખાતે કરવામાં આવી. અને, પારુલ વાઘની બદલી રાજકોટથી દ્વારકા કરવામાં આવી.
આ મામલામાં સરકારે કડક પગલાંઓ લઈ, રંજન નામની એક આયાને તો નોકરીમાંથી કાઢી જ મૂકી. આરએમઓ ડો. નૂતન વિરુદ્ધ ખાતાંકીય તપાસ શરૂ થઈ. ગત્ એક ઓક્ટોબરે એક પ્રસૂતાને પ્રસૂતિ માટે આ હોસ્પિટલમાં 108 મારફતે લાવવામાં આવેલી. આ પ્રસૂતાને લેબર રૂમમાં લેવાને બદલે તંત્રએ તેને બહાર બાંકડે બેસાડી હતી. પતિને કેસ કઢાવવા મોકલી દીધો હતો. દરમિયાન, હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો તરીકે લોબીમાં રહેલી મહિલાઓ દ્વારા આ મહિલાની પ્રસૂતિ લોબીમાં કોઈ જ સારવાર વિના કરાવવી પડી. આ મામલો માત્ર ગુજરાત જ નહીં, આખા દેશમાં ચગી જતાં સરકારની આબરૂનું ધોવાણ થયેલું.
આખરે આ મામલો તબીબી વિભાગના અધિક નિયામક સુધી જેતે સમયે પહોંચી ગયેલો. તેમણે કડક પગલાંઓ લીધાં. આ ઘટના બાદ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. એન.એન.ઝાલાએ પણ હોસ્પિટલની બેદરકારીઓ ઢાંકવા પ્રયાસ કરેલો. તપાસમાં સહકાર આપ્યો ન હતો. સસ્પેન્સન અને બદલીઓના ઓર્ડર પણ દબાવી રાખ્યા. અંતે, કાલે રવિવારે આ કડક પગલાંઓની જાહેરાત થઈ.