Mysamachar.in-જામનગર;
જામનગર મહાનગરપાલિકામાં વિવિધ પ્રકારની ભરતીઓમાં ખાસ કરીને કરાર આધારિત ભરતીઓમાં ઘણાં લોકો, લાંબા સમયથી ઘી-કેળા આરોગી રહ્યા હોવાનું જાણવા મળે છે પરંતુ સાથે-સાથે એ પણ હકીકત છે કે, આવા લાભદારોનો કોઈ વાળ વાંકો કરતું નથી ! સૌ જવાબદારોનું મૌન અચરજ જન્માવે છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકામાં ચોક્કસ પ્રકારની ‘વગ’ નો ઉપયોગ કરી, ઘણાં લોકો, ખાસ કરીને નગર ‘સેવકો’ અથવા તેમના સંબંધિતો, નાના કોન્ટ્રાક્ટથી માંડીને કસદાર કોન્ટ્રાક્ટ અન્ય લોકોને દૂર રાખી હડપી લેતાં હોય છે, આ પ્રકારના ધંધાર્થીઓ પર પણ સૌ જવાબદાર મહેરબાન રહે છે. તેથી ઘણાં બધાં જાણકાર લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે.
એક નિયમ એવો પણ છે કે, ‘સેવકો’ લોકોની તિજોરીમાંથી માનદ્ વેતન મેળવતાં હોય, તેઓ કોર્પોરેશન સાથે સંલગ્ન કોઈ પણ આર્થિક પ્રવૃતિઓ બિઝનેસ તરીકે કરી શકે નહીં. આમ છતાં કોર્પોરેશનમાં સેવકોને કમાણીની અઢળક તકો પ્રાપ્ત થઈ રહી છે. આ પ્રકારના સેવકો ‘મોટા’ લોકોની નજીક હોવાને કારણે આ પ્રકારના ગેરલાભો અંકે કરવામાં સફળ રહે છે, એવી પણ ચર્ચાઓ થતી રહે છે.
કોર્પોરેશનની તિજોરી એટલે કે, કરદાતા નગરજનો પાસેથી પ્રાપ્ત કરેલાં નાણાં અને સરકારમાંથી ગ્રાન્ટ તરીકે આવતાં નાણાંનો કરકસરયુક્ત અને યોગ્ય ઉપયોગ કરવો, ખોટાં ખર્ચ અને નાણાંનો વેડફાટ અટકાવવો- વગેરે જવાબદારીઓ મહાનગરપાલિકામાં કોઈની છે જ નહીં ?! જો આ જવાબદારીઓ કોઈની છે તો, તેઓ આ પ્રકારની ગોબાચારીઓ અને લાલિયાવાડીઓ ચલાવી શા માટે લ્યે છે ?! તેઓ મૌન જાળવવામાં કોઈ ‘લાભ’ જૂએ છે ? એવો પણ પ્રશ્ન મહાનગરપાલિકાની અંદરથી બહાર આવી રહ્યો છે. આમેય, જામનગર મહાનગરપાલિકાનું નાણાંકીય અશિસ્ત દાયકાઓથી જગજાહેર છે. બધું આમ જ ચાલતું રહેશે ? કે, કયારેય આ પ્રવૃત્તિઓને બ્રેક લાગશે ? નગરજનો પૂછે છે, બ્રેક લાગશે ક્યારે ?!…