Mysamachar.in-જામનગર:
દીવાળીના તહેવારો ગયા બાદ વીજતંત્રની રાજકોટ કોર્પોરેટ કચેરી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હાલ સારાં સમાચાર સંભળાવી રહી છે કે, આગામી પહેલી ડિસેમ્બરથી કવર્ડ કંડક્ટરની કામગીરીઓ શરૂ કરવામાં આવશે. રાજકોટ કચેરી કહે છે, આખા સૌરાષ્ટ્ર-કચ્છમાં આ કામગીરીઓ શરૂ થશે, બીજી તરફ હકીકત એ છે કે, આ જાહેરાત અગાઉ જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આ કામગીરીઓ છએક મહિનાથી ચાલી જ રહી છે. પચ્ચીસેક ટકા કામ તો પતી પણ ગયું છે.
કવર્ડ કંડક્ટર અંગ્રેજી શબ્દો છે, તેનો ગુજરાતી અર્થ એ થાય છે કે, હાલમાં બધે જ વીજવાયરો ખુલ્લા છે, જેના પર ટાઢ-તડકો અને વરસાદની અસરો થાય છે. જેથી વાયરોને નુકસાન થાય છે, તૂટી જાય છે, સડી જાય છે, ભેજ લાગી જાય છે, શોર્ટ સર્કિટ થાય છે, વીજલોસ થાય છે, પાવરકટની ફરિયાદ તથા લો વોલ્ટેજની ફરિયાદો રહે છે, ટૂંકમાં લોકો પરેશાન છે. અને, દરિયાકિનારાના વિસ્તારોમાં આ તકલીફો વધુ રહે છે.
આ બધી જ તકલીફો નિવારવા હાલના ખુલ્લા વીજવાયરોની જગ્યાએ કવર્ડ કંડક્ટર લગાવવામાં આવી રહ્યા છે. હાલના ખુલ્લા વાયરની જગ્યાએ બે લેયર ધરાવતા વાયર એટલે કે ઈન્સ્યુલેટેડ વાયરો લગાડવામાં આવી રહ્યા છે. જેનાથી વીજપ્રવાહ સારી રીતે વહી શકશે, વાયરોને વાતાવરણની અસરોથી બચાવી શકાશે. વીજ ફરિયાદો ઘટશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આ રીતે કુલ 2,088 કિમી લંબાઈના કવર્ડ કંડક્ટર વાયરો લગાવવાનો ટાર્ગેટ છે, જે પૈકી અત્યાર સુધીમાં 589 કિમી લંબાઈના ખુલ્લા વાયરોની જગ્યાએ આ કવર્ડ કંડક્ટર વાયરો લગાવી પણ દેવામાં આવ્યા હોવાનું વીજતંત્રના સૂત્ર જણાવે છે.