Mysamachar.in-
જામનગરમાં હમણાં હમણાં દારૂ જૂગારના કેટલાંક એવા દરોડા પડી રહ્યા છે જેને કારણે શહેરમાં સતત ચર્ચાઓ ચાલુ રહે છે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર વિવિધ સ્તરેથી ભલામણો થતી હોવાનું પણ બહાર આવી રહ્યું છે, પોલીસ રેકર્ડ પર કામગીરીઓ સંબંધે કેટલીક અધૂરી વિગતો બહાર આવી રહી છે, અમુક વિગતો તો લખવામાં જ નથી આવતી, અમુક આરોપીઓને ‘લાભ’ પણ મળી રહ્યો છે, દરમિયાન કાલે શુક્રવારે રાત્રે આવો વધુ એક ખેલ નગરજનોએ જોયો. એક દારૂની મહેફિલ પર દરોડો પડ્યો તો, ગામ ભેગું થઈ ગયું..ગામમાં ‘ગધેડો’ થયો. આરોપીઓ પ્રત્યે સૌને આટલી બધી કૂણી લાગણીઓ શા માટે હોય છે, એવી પણ વાતો થઈ.
શરાબની આ પાર્ટી સંબંધે પોલીસે કાગળ પર જે વિગતો નોંધી છે, તેમાં લખ્યું છે કે, સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ખંભાળિયા નાકા વિસ્તારમાં શેઠ ભગવાનદાસ રોડ પર, જોઈસરના ડેલા તરીકે ઓળખાતી જગ્યામાં, જિત જોઈસરના ઘરમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી, ત્યારે શુક્રવારે રાત્રે 10 વાગ્યા આસપાસ પોલીસ ત્રાટકી. પોલીસે 8 ‘દારૂડિયાઓ’ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો.
જો કે, આ મહેફિલ પરના દરોડા દરમિયાન વાહનો, મોબાઈલ અથવા તો શરાબની કેટલી બોટલ, બિયરના ટીન, કાચના ગ્લાસ એવું કશું મળી આવ્યું કે કેમ, એ અંગે કોઈ વિગતો પોલીસ રિપોર્ટમાં નથી. જે 8 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો તેમના નામ સરનામા જાહેર થયા છે. જાણવા મળતી વિગતો અનુસાર, આ દરોડો પડ્યા બાદ, નગરસેવકો સહિતના ઘણાં લોકો પોલીસ મથકે પહોંચી ગયા હતાં. સંખ્યાબંધ નગરજનો એકઠાં થયા હતાં. કહેવાય છે કે, મામલો અલગ રીતે સૂલટાવવા ઘણી ભલામણો પણ થઈ. એક તબક્કે તો પોલીસમથકે એવડું ટોળું ભેગું થયું અને ધક્કામુક્કી થઈ કે, પોલીસમથક અંદરથી બંધ પણ કરવું પડ્યું. આખરે 8 વિરૂદ્ધ ગુનો દાખલ થયો.
પોલીસ રિપોર્ટ મુજબ, આરોપીઓમાં ધવલ રાજેશભાઈ ફલીયા (35, વેપારી)-શૌકત ઉમરભાઈ સાયચા (37, મજૂર)-દર્શન દિલીપભાઈ મોદી (35, વેપારી, ખંભાળિયા)-પંકજ દિનેશભાઈ મુંજાલ (31, મોબાઈલ કારીગર)-રવિ નવીનભાઈ ગોરી (30,વેપારી)-નિલેશ રાજમલભા માણેક (41, ખેડૂત, મીઠાપુર)-અનિરૂધ્ધસિંહ રતનસિંહ સરવૈયા (49, ખાનગી નોકરી) અને રામ પરબતભાઈ ઓડેદરા (32, ખેડૂત)નો સમાવેશ થાય છે. જાણવા મળેલ છે કે, સોનીની વાડીમાં મિત્રના લગ્નનો પ્રસંગ હોય, મિત્રો બધાં યજમાન મિત્રના ઘરે ‘મોજ’થી મહેફિલ માણી રહ્યા હતાં, મોટાભાગના પ્રસંગોમાં આ કોમન ‘મોજ’ હોય છે, પરંતુ આ મામલામાં ‘ગામગધેડો’ થતાં, આખરે ગુનો દાખલ થયો.