Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના દરેડ ખાતે આવેલાં બીઆરસી ભવનમાં ગત્ ચોમાસે વરસાદી પાણી ભરાઈ ગયેલું અને હજારો પુસ્તકો અને સાથેસાથે સહાયક પુસ્તકો અને વૈકલ્પિક પુસ્તકો તેમ જ સેંકડો નોટબુકસ પલળી ગયાનો સ્ફોટક અહેવાલ, જેતે સમયે Mysamachar.in દ્વારા બેધડક રીતે આધાર પુરાવાઓ સાથે પ્રગટ કરવામાં આવેલો અને એ કારણે સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં હલચલ મચી ગઈ હતી. હવે આ પ્રકરણ સ્ફોટક અંત તરફ ગતિથી આગળ જઈ રહ્યું છે, સંબંધિત મહિલા કો-ઓર્ડિનેટર પર પગલાંની ગાજ ત્રાટકશે એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કેમ કે, તેઓ ‘કસૂરવાર’ છે એટલું હાલ પૂરતું જાહેર થઈ ગયું છે. જો કે, અંતિમ તપાસ રિપોર્ટ હજુ બે દિવસ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં પહોંચશે, પરંતુ રિપોર્ટ સંબંધિત કેટલીક ચોંકાવનારી વિગતો Mysamachar.in સુધી પહોંચી ચૂકી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દરેડના બીઆરસી ભવનમાં ધોરણ 1 થી 8 સંબંધિત પુસ્તકો, સહાયક પુસ્તકો, વૈકલ્પિક પુસ્તકો અને નોટબુકસ હજારોની સંખ્યામાં, વરસાદી પાણીમાં પલળી જતાં સેંકડો બાળકો મહિનાઓ સુધી આ બધાં શિક્ષણ સાહિત્યથી વંચિત રહ્યા, એમના શિક્ષણને જે નુકસાન થયું, એ નુકસાન કોણ અને કેવી રીતે ભરપાઇ કરશે ? આ નુકસાન ભરપાઇ થઈ શકે ??
-જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે…
Mysamachar.in દ્વારા આજે સવારે DPEO વિપુલ મહેતાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો, પુસ્તકો પલળી જવાના આ મામલાના તપાસ રિપોર્ટ અંગે જાણકારીઓ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. એમના જણાવ્યા અનુસાર, સંભવત: આગામી સોમવારે આ તપાસ રિપોર્ટ એમની કચેરીમાં સબમિટ થઈ શકે છે, ત્યારબાદ આગળની કાર્યવાહીઓ જે જવાબદાર છે તેમની સામે હાથ ધરવામાં આવશે.
-રેકર્ડ પરથી પ્રાથમિક દ્રષ્ટિએ સમજાઈ રહ્યું છે કે, કો-ઓર્ડિનેટર કસૂરવાર છે: શાસનાધિકારી
Mysamachar.in દ્વારા આજે શુક્રવારે બપોરે જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને જેના વડપણ હેઠળ ચાર સભ્યોની ટીમ જે આ પુસ્તકો પલળી જવા અંગે તપાસ કરી રહી છે તે ફાલ્ગુનીબેન પટેલનો પણ, આ બનાવ અને તપાસ સંદર્ભે ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના જણાવ્યા મુજબ, બીઆરસી કો-ઓર્ડિનેટર દ્વારા, તપાસ સમિતિએ માંગેલા આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. જેના આધારે તપાસ રિપોર્ટ તૈયાર કરી DPEO સમક્ષ રજૂ કરવામાં આવશે. હાલમાં જે આધાર પુરાવાઓ તપાસ દરમિયાન પ્રાપ્ત થયા છે તેના આધારે કહી શકાય કે, પુસ્તકો પલળી ગયાના ઘણાં સમય બાદ આ અંગે સક્ષમ સત્તાવાળાઓને જાણ કરવામાં આવેલી એટલે કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ બેદરકારીઓ રેકર્ડ પર આવી ગઈ છે, સંબંધિત જવાબદાર બી.આર.સી. કો-ઓર્ડીનેટરે કેટલાં પ્રમાણમાં બેદરકારીઓ દાખવી છે તે બધાં જ આધાર પુરાવાઓના અભ્યાસના આધારે સક્ષમ અધિકારી નિર્ણય લઈ શકશે.