Mysamachar.in-
જામનગર સહિત સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી આરોગ્ય સેવાઓ અસરકારક નથી અથવા અમુક વિસ્તારોમાં તો સાવ ખાડે છે. આ ગંભીર પરિસ્થિતિઓ ખાનગી તબીબો અને ખાનગી હોસ્પિટલોને બહુ અનુકૂળ રહે છે, તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં ‘વિનામૂલ્યે નિદાન સારવાર આરોગ્ય કેમ્પ’ એવા રૂપકડા નામો હેઠળ કેમ્પ કરે અને પછી ત્યાંથી ‘ઘરાક’ શોધી લ્યે, તેને શહેરમાંની પોતાની ખાનગી હોસ્પિટલ સુધી ઢસડી લાવે, પછી ચીરે અને આ બધો જ ખર્ચ જેતે દર્દીઓના આયુષ્યમાન કાર્ડ ખાતે ઉધારી, તગડો ધંધો કરે. ડોક્ટરોની આ ‘ગુનાહિત’ મોડસ ઓપરેન્ડી આખરે ખુલ્લી પડી ગઈ. અમદાવાદની ખ્યાતિ નામની કુખ્યાત હોસ્પિટલમાં આ મોડસ ઓપરેન્ડી દરમિયાન કાંડ થયો, સંખ્યાબંધ દર્દીઓને જરૂર ન હોવા છતાં, ઓપરેશન કરી નાંખવામાં આવ્યા અને એમાં 2 દર્દીઓના મોત પણ થઈ ગયા. હવે રાજ્યના તબીબી સત્તાવાળાઓ જાગી ગયા, ઉહાપોહ મચતાં એમણે જાગવું પડ્યું. હવે ખાનગી તબીબો અને ખાનગી હોસ્પિટલો ગ્રામ્ય વિસ્તારોમાં આવા કેમ્પ કરી શકશે નહીં.
રાજ્યના તબીબી વિભાગના અધિક નિયામક દ્વારા કાલે ગુરૂવારે બપોર બાદ એક સૂચના પત્ર બહાર પાડવામાં આવ્યો. આ સૂચના પત્ર આમ તો જૂની જોગવાઈને આધારે બહાર પાડવામાં આવ્યો છે. પાંચ વર્ષ અગાઉ 2019ના એક સરકારી નિર્ણયના આધારે આ સૂચના આપવામાં આવી છે.
જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને આ સૂચનાઓ કાલે ગુરૂવારે રાત્રે મળી ચૂકી છે. આ પત્રમાં જણાવાયું છે કે, PMJAY-મા યોજના અંતર્ગત યોજનાની માર્ગદર્શિકા મુજબ, યોજના સાથે સંલગ્ન હોસ્પિટલો દ્વારા થતાં કેમ્પને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું નથી. આ યોજના સાથે સંલગ્ન હોસ્પિટલોએ આ પ્રકારના મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું થતું નથી. તેમ છતાં જો કોઈ હોસ્પિટલ આ પ્રકારના મેડિકલ કેમ્પનું આયોજન કરશે તો, તેમની વિરુદ્ધ યોજનાની ગાઈડલાઈન મુજબ શિક્ષાત્મક પગલાંઓ લેવામાં આવશે. આ સૂચનાનો ચુસ્ત રીતે અમલ કરવાની પણ સૂચનાઓ છે.
ટૂંકમાં PMJAY યોજનાની ગાઈડલાઈનમાં આ બાબતનો સમાવેશ થયેલો છે જ, આમ છતાં સરકાર આ બાબતે અત્યાર સુધી ગંભીર ન હતી ! હવે જ્યારે ખ્યાતિ હોસ્પિટલનો મોતકાંડ સર્જાયો ત્યારે, પાંચ વર્ષ અગાઉની વાતો સરકારને યાદ આવી અને અમલની સૂચનાઓ તાજી કરી, અત્યાર સુધી લાલિયાવાડીઓ શા માટે ચલાવી લેવામાં આવી, તે મહત્વપૂર્ણ પ્રશ્ન અહીં સપાટી પર આવી શકે છે.