Mysamachar.in-જામનગર:
જામનગરના દરેડ વિસ્તારમાં આવેલાં અને રાજ્યની GCERT સંચાલિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બે લેક્ચરરની તાજેતરમાં બદલીઓ કરવામાં આવી છે અને આ બંને લેક્ચરરને છેક મધ્ય ગુજરાતમાં લઈ જવામાં આવ્યા છે. આ બદલીઓ અંગે કેટલાંક તર્કવિતર્ક વહેતા થઈ રહ્યા છે અને બદલીઓ પાછળ કોઈ ગંભીર કારણ હોવાની પણ ચર્ચાઓ છે. જો કે, સત્તાવાર રીતે આ બદલીઓને રૂટિન લેખાવવામાં આવી છે. પરંતુ ગાંધીનગરનો અહેવાલ જણાવે છે કે, આ કથિત કૌભાંડની તપાસ શરૂ થઈ ગઈ છે અને તેમાં કોઈ પણ કસૂરવાર જણાયે તેમના વિરુદ્ધ એકશન લેવામાં આવશે.
જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બે લેક્ચરરની તાજેતરમાં બદલીઓ થઈ છે. Mysamachar.in સાથેની વાતચીતમાં ભવનના પ્રાચાર્ય પ્રફુલ્લાબા જાડેજાએ જણાવ્યું છે કે, ભવનના બે લેક્ચરરની બદલીઓ મધ્ય ગુજરાતના આણંદ ખાતે કરવામાં આવી છે. આ બદલીઓ વહીવટી સરળતા માટે કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં સ્ટાફમાં ઘટ હોય ત્યાં સરભર માટે આ રીતે GCERT દ્વારા સમયાંતરે રૂટિન બદલીઓ થતી રહેતી હોય છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા બિનસતાવાર રીતે જાણવા મળે છે કે, આ બદલીઓ પાછળ કોઈ મોટું કારણ જવાબદાર હોય શકે છે. અને તેના માટે ગાંધીનગરથી તપાસ ચાલી રહી છે કહેવાય છે કે ભવનમાં સરકાર તરફથી વિવિધ પ્રકારની ગ્રાન્ટના નાણાં આવતા હોય છે. આ નાણાં પૈકી અમુક નાણાંના હિસાબમાં ચોક્કસ પ્રકારની અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાનું પણ કહેવાય છે. આ આખો મામલો ગંભીર બની ગયા બાદ ગાંધીનગરથી બદલીઓના ઓર્ડર છૂટ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, જો કે આ અનિયમિતતાઓ જો આચરવામાં આવી છે તો કોના દ્વારા થઈ છે અને આ અનિયમિતતાઓ પછી કેવી રીતે સુલટાવવામાં આવી, તે અંગેની વિગતો હજુ સુધી બહાર આવી નથી.તે સમગ્ર બાબતો તપાસ અહેવાલ બાદ સ્પષ્ટ થઇ જશે.
-GCERT(ગાંધીનગર)ના સચિવ એસ.જે..ડુમરાળિયાએ કહ્યું કે…
Mysamachar.in દ્વારા આજે આ મામલે GCERT(ગાંધીનગર)ના સચિવ એસ.જે..ડુમરાળિયા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. એમના કહેવા અનુસાર, આ સરકારી નાણાં ગરીબ લોકો માટેના છે, આથી જો તપાસ દરમિયાન કોઈ કસૂરવાર જણાય આવશે તો કસૂરવાર વિરુદ્ધ યોગ્ય એકશન લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, GCERT સચિવના માર્ગદર્શન મુજબ, જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આ કથિત કૌભાંડની તપાસ ચાલી રહી છે. અને આગામી નજીકના સમયમાં આ તપાસ રિપોર્ટના આધારે કસૂરવારો પર ગાજ વરસશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ ભવનને સરકાર તરફથી મળતી ગ્રાન્ટના નાણાંમાં કોઈ હેરાફેરી થયાની વ્યાપક ચર્ચાઓ છે. આગામી સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હાલ આ સંબંધે બે લેક્ચરર પૈકી એકની આણંદ અને એકની છોટાઉદેપુર ખાતે બદલીઓ કરી નાંખવામાં આવી છે.