Mysamachar.in-અમદાવાદ:
સમાજના બધાં જ ક્ષેત્રોમાં માફિયાઓ છે. માફિયાઓને લાચાર કાયદો ફાંસીના માંચડે ચડાવી શકતો નથી. અને, ઈચ્છાશક્તિના અભાવે શાસન માફિયાઓની ડોક મરડી શકતું નથી. આ પ્રકારની સ્થિતિઓને કારણે સૌને માફિયાઓ બનવાનો પાનો ચડી રહ્યો હોય, સર્વત્ર જંગલરાજ જોવા મળી રહ્યું છે. હજુ હમણાં સુધી લોકો ડોક્ટરને દેવદૂત માનતા, આજે મેડિકલ ક્ષેત્રમાં પણ માફિયાઓની બોલબાલા છે. અને, અચરજની વાત એ છે કે, તબીબી કુંડાળાઓમાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે. ખુદ ભારત સરકારનો એક રિપોર્ટ આ આંકડા જાહેર કરી ચૂક્યો છે.
PMJAY યોજના જે બોલચાલની ભાષામાં ‘મા’ કાર્ડ, ‘મા’ યોજનાના નામે જાણીતી છે. આ યોજનામાં વ્યવસ્થાઓ એવી કરવામાં આવી છે કે, ખાનગી હોસ્પિટલો દર્દીઓની સારવાર તથા ઓપરેશન કરે અને દર્દીઓ વતી સરકાર હોસ્પિટલોને નાણાં ચૂકવે. આમ એટલાં માટે કરવું પડે છે કેમ કે, સરકારી આરોગ્ય વ્યવસ્થાઓ લંગડાતી ચાલતી હોય, ખાનગી હોસ્પિટલોને આમાં જોડવામાં આવી. આ આખી વ્યવસ્થાઓમાં બેફામ વેપાર, ભ્રષ્ટાચાર અને કુંડાળાઓ ચાલે છે- જે અંગે ‘કેગ’ ને બાદ કરતાં સૌ સંબંધિતો મૌન સેવી રહ્યા છે.
‘કેગ’ દ્વારા એક રિપોર્ટ જાહેર થયેલો છે. આ રિપોર્ટ સરકારનો લેટેસ્ટ રિપોર્ટ છે. આ રિપોર્ટ કહે છે: ગુજરાતમાં PMJAY ઉર્ફે મા યોજનામાં મોટી ગોલમાલ અને ધૂમ કટકી ચાલી રહી છે. આવી ગોલમાલ બધાં જ રાજ્યોમાં ચાલે છે, જેમાં ગુજરાત નંબર વન છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 13,860 દર્દીઓ એવા મળી આવ્યા છે, જેઓ એક જ સમયે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ હોય, સારવાર લઈ રહ્યા હોય, એવા પુરાવાઓ મળી આવ્યા.
આ પ્રકારના કુંડાળાઓમાં બીજા નંબરે કેરળ રાજ્ય અને ત્રીજા નંબરે છત્તીસગઢ છે. દર્દીઓની સારવાર અને ઓપરેશનના નામે સરકારમાંથી નાણાં પડાવવાના આ ખેલમાં ગુજરાતની 302 હોસ્પિટલો સંડોવાયેલી છે. ઘણી હોસ્પિટલ એવી છે જ્યાં આ દર્દીઓના ખરેખર તો મોત થઈ ગયા હોય, પછી મડદાંની સારવાર કાગળ પર ચાલતી રહે, મૃતદેહના કાગળ પર ઓપરેશન પણ થાય અને સરકારમાંથી નાણાં ઉસેડાતા રહે, દર્દીઓના પરિવારજનોને મોત અંગે અંધારામાં રાખવામાં આવે !!
આ પ્રકારની ગોબાચારીઓ વિરુદ્ધ ગુજરાત સરકાર શું કાર્યવાહીઓ કરે છે, તેની કોઈ જ વિગતો કયારેય જાહેર કરવામાં આવતી નથી. નેશનલ હેલ્થ ઓથોરિટીને પણ આ ગોલમાલની જાણ છે. સરકાર બચાવ કરી રહી છે. ઘણી ખાનગી હોસ્પિટલમાં તો કુલ પથારીઓ હોય એના કરતાં વધુ દર્દીઓ, એક જ સમયે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય, એવા બોગસ આંકડા પણ રિપોર્ટમાં બહાર આવ્યા. 55 બેડની હોસ્પિટલમાં એક જ સમયે 240 દર્દીઓ દાખલ કેવી રીતે હોય શકે- આવા કુંડાળાઓ પણ આ રિપોર્ટમાં બહાર આવી ગયા છે છતાં આવી હોસ્પિટલો અને આ ખાનગી ડોક્ટરોનો વાળ વાંકો થતો નથી. ઘણાં કિસ્સાઓમાં તો હોસ્પિટલ ડેથ સમરી રિપોર્ટ બનાવતી નથી. દર્દીઓના મોતના ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવતાં નથી. આવી હોસ્પિટલોને પણ સરકાર બારોબાર નાણાં ચૂકવી દે છે. ગુજરાતમાં 1,547 દર્દીઓના મોત એવા છે, જેમાં સરકારે હોસ્પિટલને નાણાં આપ્યા છે, મોતના કોઈ જ રિપોર્ટ નથી