Mysamachar.in-અમદાવાદ:
બદલાતાં જતાં સમયમાં વિવિધ કારણોસર લોકોમાં જુદા જુદા પ્રકારની વીમા પોલિસીઓ લેવાનું પ્રમાણ વધતું જાય છે અને કેટલીક વીમા પોલિસી તો ફરજિયાત હોય, દિવસે દિવસે વીમાધારકોની સંખ્યા વધી રહી છે, વીમાબજારનું કદ વધી રહ્યું છે, સાથેસાથે વીમા સંબંધિત ફરિયાદો પણ વધી રહી હોય, લોકોમાં આ બાબતે જાગૃતિ વધી રહી છે અને સરકારપક્ષે પણ અગાઉ કરતાં આ ક્ષેત્રમાં વધુ કામગીરીઓ કરવી પડી રહી છે, કેમ કે ફરિયાદોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
તબિયત અંગે ખાસ કરીને લોકો વધુ જાગૃત બની રહ્યા હોય હેલ્થ સંબંધિત પોલિસીનું બજાર મોટું છે. આ બજારમાં કરોડો રૂપિયા પ્રીમિયમના રૂપમાં ઠલવાઈ રહ્યા છે. જો કે આ વીમા ગ્રાહકો જ્યારે વળતર દાવો રજૂ કરે છે ત્યારે, ઘણી કંપનીઓ વાંધાવચકા આગળ ધરે છે, દાવાઓની રકમ ચૂકવવામાં અખાડા કરે છે. જો કે, ગ્રાહક જાગૃત રહે, ફરિયાદ કરે અને લડે તો ગ્રાહક વળતર મેળવવા સફળ પણ થતાં હોય છે, અગાઉ કરતાં હવે ફરિયાદ સંબંધિત કામગીરીઓ વધુ પ્રમાણમાં અને ઝડપથી થઈ રહી છે.
ઘણાં બધાં કેસ એવા પણ હોય છે કે, ગ્રાહક કલેઈમ કરે તે રકમમાંથી 10થી માંડીને 50 ટકા જેટલી રકમ બાદ કરી, કંપનીઓ વળતર આપતી હોય છે. આવા મામલામાં પોલિસી હોલ્ડરને ન્યાય અને સારૂં વળતર મળી રહે તે માટે વીમા લોકપાલ વ્યવસ્થા છે જ. વીમા લોકપાલ દિવસ 11 નવેમ્બરે ઉજવવામાં આવે છે. ગુજરાત વીમા લોકપાલે પાછલાં 7 મહિનામાં 2,100 ફરિયાદોનો નિકાલ કર્યો. અગાઉ 90 દિવસ થતાં, હવે 60 દિવસમાં ફરિયાદ નિકાલ થઈ શકે છે.
જો કે તેની સામે ચિંતાઓનો વિષય એ પણ છે કે, વીમા કંપનીઓ મોટાં પ્રમાણમાં કલેઈમ રિજેક્શન કરી રહી છે, જેથી ફરિયાદો પણ વધી. હવે તો લોકપાલ સમક્ષના કેસોની સુનાવણીઓ પણ ઓનલાઈન થઈ રહી છે. અને, ચુકાદાઓ ઈ-મેઈલથી મોકલવામાં આવી રહ્યા છે. સરળતા અને ઝડપમાં વધારો થયો છે.
આગામી સમયમાં વીમા સુગમ પોર્ટલ પર એક જ જગ્યાએ બધી વીમા કંપનીઓની વિગતો મળી રહે તે માટે પણ વ્યવસ્થાઓ થશે. ગ્રાહક અને એજન્ટને આ પોર્ટલનો લાભ મળતો થશે. એજન્ટ સેવા આપવામાં કચાશ રાખે, અધૂરી કે ખોટી માહિતીઓ આપે, તો પણ લોકપાલ સમક્ષ ફરિયાદ દાખલ થઈ શકે. કંપની ઉપરાંત એજન્ટ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી શકાય. એજન્ટ વિરુદ્ધ પગલાંઓ પણ લઈ શકાય. જાગૃતિ માટે દરેક ગ્રાહકે વીમો લેતી વેળાએ કસ્ટમર ઈન્ફર્મેશન શીટ મેળવી લેવી જોઈએ. જેનો ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકાય.