Mysamachar.in-જામનગર:
રાજ્યના લાખો ખેડૂતો પાસેથી સરકાર એટલે કે ગુજકોમાસોલ મગફળી સહિતના પાક ઉત્પાદનો ટેકાના ભાવે ખરીદવા મેદાનમાં હોય, ખેડૂતોમાં આનંદની લાગણીઓ જોવા મળી રહી છે, એવા અહેવાલો વચ્ચે અમંગળ સમાચાર એ આવ્યા કે, આજે મંગળવારે અડધાં જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીઓ, ટેક્નિકલ કારણોસર બંધ છે. જેને કારણે હજારો ખેડૂતોમાં નિરાશાઓ વ્યાપી ગઈ છે.
કાલે સોમવારે ટેકાની ખરીદીઓમાં પ્રથમ દિવસે પણ લોચા થયા હતાં. જિલ્લાના 6 પૈકી માત્ર 2 જ સેન્ટર પર ખરીદીઓ થઈ રહી હતી. આજે થોડું સારૂં છે, 6 પૈકી 3 સેન્ટર ચાલુ અને 3 સેન્ટર પર ખરીદીઓ બંધ છે. જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલએ Mysamachar.in સાથેની વાતચીતમાં આજે સવારે જણાવ્યું છે કે, જામનગર જિલ્લામાં ધ્રોલ, જોડિયા અને જામજોધપુર સેન્ટર પર ટેકાના ભાવે ખરીદીઓ થઈ રહી છે, જ્યારે જામનગર, લાલપુર અને કાલાવડ સેન્ટર પર ટેક્નિકલ કારણોસર ખરીદીઓ બંધ છે.
ખેતીવાડી અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સત્તાવાળાઓ સાથે અમો સંકલન કરી રહ્યા છીએ પરંતુ ગાંધીનગર કક્ષાએથી જામનગર જિલ્લાના ઉપરોકત 3 સેન્ટર પરની ખરીદીઓ ટેક્નિકલ કારણોસર બંધ રાખવી પડી છે. રાજ્ય સરકારના આ માટેના પોર્ટલ પર કેટલીક તકલીફો ઉદભવી હોય, આ 3 સેન્ટર પર હાલ ખરીદીઓ બંધ છે. જિલ્લાના આ બંધ સેન્ટરો પર ખરીદીઓ ક્યારે શરૂ થશે, એ પ્રશ્નના ઉત્તરમાં અધિકારીએ કહ્યું કે, આ અંગે કાંઈ કહી શકાય નહીં, રાજ્ય કક્ષાએ ફોલ્ટનું નિરાકરણ આવતાં જ જામનગર, કાલાવડ અને લાલપુરમાં પણ ટેકાના ભાવે ખરીદીઓની કામગીરીઓ કાર્યરત કરી દેવામાં આવશે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 46,000 ખેડૂતોએ ટેકાના ભાવે પાક ઉત્પાદનોના વેચાણ માટે પોતાના નામોની નોંધણી કરાવી હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.