Mysamachar.in-ગાંધીનગર;
સરકારમાં અસંખ્ય અધિકારીઓ ‘દાગી’ હોવાને કારણે લોકોનાં મનમાં રહેલી સરકારની છબિ અતિશય ધૂંધળી બની રહી છે, લોકો નારાજગીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ સ્થિતિઓના ઉપાય માટે સરકારે છેલ્લા કેટલાંક સમયથી ઓપરેશન ગંગાજળ આરંભી દીધું છે, ‘કચરો’ સાફ કરવામાં આવી રહ્યો છે, ઘણાં બધાં અધિકારીઓને નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકવામાં આવી રહ્યા છે, જેને સારાં શબ્દોમાં ‘ફરજિયાત નિવૃતિ’ તરીકે જાહેર કરવામાં આવે છે.
દીવાળીના વેકેશન અગાઉ પણ સરકારે ઘણાં ઉચ્ચ અધિકારીઓ અને સેકન્ડ કેડરના કેટલાંક અધિકારીઓને ઓપરેશન ગંગાજળ અંતર્ગત કાયમ માટે નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું હતું. અને, દીવાળીના વેકેશન બાદ પણ આ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. ‘કચરો’ દૂર કરવાની પ્રક્રિયાઓ તેજ બનાવવામાં આવી છે, જેથી અધિકારીઓમાં હવે ફફડાટ બહાર આવી રહ્યો છે. ઘણાંના બીપી અને સુગર લેવલ વધી રહ્યા છે.
હાલમાં સરકારે સરદાર સરોવર નર્મદા નિગમના એક અધિકારી એ.ડી.પરમારને ઘરે બેસાડી દીધાં. તેના 24 જ કલાકમાં શ્રમ અને રોજગાર વિભાગના 2 ક્લાસ વન અધિકારીઓને નોકરીમાંથી દૂર કરી દીધાં. પછી, લેન્ડ રેકર્ડ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ કે.પી.ગામિતને દરવાજો દેખાડી દીધો. સરકારે અત્યાર સુધીમાં 16થી વધુ વિભાગો અને કેડરના વર્ગ એક અને બે ના કુલ 22 અધિકારીઓને ઘરભેગા કરી દીધાં છે. ત્યારબાદ ભિલોડા ITIના આચાર્ય ભરત ધનાભાઈ રાવલ અને સુરત ITIના આચાર્ય હસમુખ નાનજી કાકડીયાને પણ કાયમ માટે ઘરે બેસાડી દીધાં. ઓપરેશન ગંગાજળની આ કાર્યવાહીઓથી અધિકારીઓમાં કાનાફૂસી શરૂ થઈ છે, ઘણી સરકારી કચેરીઓમાં આ ઓપરેશનની અસરો એટલે કે આફટરશોક અનુભવવા મળી રહ્યા છે.